પૂર્વ વડાપ્રધાન આઈ.કે ગુજરાલનું નિધન

30 November, 2012 10:19 AM IST  | 

પૂર્વ વડાપ્રધાન આઈ.કે ગુજરાલનું નિધન




નવેમ્બર 30, 2012 નવી દિલ્હી


ભારત-પાકિસ્તાનની દોસ્તીના સ્વપ્નદ્રષ્ટાની અલવિદા


વિદેશપ્રધાન અને વડા પ્રધાન તરીકેના ટૂંકા ગાળા દરમ્યાન તેમણે પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ  સંબંધો વિકસાવવા દિલથી પ્રયાસ કર્યો હતો : લાંબી માંદગી બાદ ગુડગાંવમાં ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા

ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલનું અવસાન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલનું ગઈ કાલે ગુડગાંવની મેદાન્તા હૉસ્પિટલમાં ૯૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ફેફસાંમાં ઇન્ફેક્શનને કારણે ૧૯ નવેમ્બરે તેમને ઍડમિટ કરવામાં આવ્યા હતા. તેમને છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને એક વર્ષથી તેઓ નિયમિત ડાયાલિસિસ લઈ રહ્યા હતા. આજે દિલ્હી નજીક તેમના રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય કારકિર્દી દરમ્યાન બે વખત વિદેશપ્રધાન અને એક વખત વડા પ્રધાનપદ સંભાળનાર ગુજરાલને તેમની વિદેશ નીતિ ખાસ કરીને પાકિસ્તાન સાથે દોસ્તીના પ્રયાસોને લઈને યાદ રાખવામાં આવશે. તેમનાં પત્ની શીલા ગુજરાલનું ગત વર્ષે અવસાન થયું હતું. તેમને નરેશ અને વિશાલ નામના બે પુત્રો છે, જેમાં નરેશ ગુજરાલ રાજ્યસભાના સભ્ય છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડા પ્રધાન મનમોહન સિંહ સહિતના ટોચના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઇ.કે.ગુજરાલના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. 

મૃદુ સ્વભાવના ઇન્ટેલેક્ચ્યુઅલ

૧૯૧૯ની ચોથી ડિસેમ્બરે તત્કાલીન અવિભાજિત પાકિસ્તાનના ઝેલમ શહેરમાં જન્મેલા ઇન્દ્રકુમાર ગુજરાલનો પરિવાર ભાગલા બાદ ભારત આવી ગયો હતો. આ પહેલાં ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. ઇન્દ્રકુમારના પિતા પણ સ્વાતંત્ર્યસેનાની હતા. આઇ. કે. ગુજરાલની ઓળખ એક મૃદુ સ્વભાવના બૌદ્ધિક તરીકેની હતી, પણ સમય આવ્યે તેમણે કડક નર્ણિયો પણ લીધા હતા. એપ્રિલ, ૧૯૬૪માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેઓ જે જૂથ સાથે સંકળાયેલા હતા એ જૂથે જ ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનવામાં મદદ કરી હતી. ઇન્દિરા ગાંધીની સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણપ્રધાન હતા. ગાંધીએ કટોકટી લાગુ કરી ત્યારે તેમના પુત્ર સંજય ગાંધીએ ફોન કરીને ગુજરાલને મિડિયા સાથે કેવું વર્તન કરવું એ વિશે સૂચનાઓ આપી હતી. એ વખતે સંજય ગાંધી સરકારમાં કોઈ પણ પદે ન હતા એટલે ગુજરાલે તેમની વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં તેમને પ્રધાનપદેથી ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ૮૦ના દાયકામાં તેઓ કૉન્ગ્રેસ છોડીને વી. પી. સિંહના નેતૃત્વની જનતા પાર્ટીમાં જોડાયા હતા. ૧૯૮૯માં વી. પી. સિંહની રાષ્ટ્રીય મોરચા સરકારમાં તેઓ વિદેશપ્રધાન બન્યા હતા. એ પછી એચ. ડી. દેવ ગોવડાની સરકારમાં તેઓ બીજી વખત વિદેશપ્રધાન બન્યા હતા. વિદેશપ્રધાન તરીકે તેમણે પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન સાથેના સંબંધોને સુમેળભર્યા કરવા માટે દિલથી પ્રયાસો કર્યા હતા.

વડા પ્રધાનપદે

૧૯૯૭માં કૉન્ગ્રેસે દેવ ગોવડા સરકારને ટેકો પાછો ખેંચી લાધા બાદ આઇ. કે. ગુજરાલ જનતા દળના નેતૃત્વની યુનાઇટેડ ફ્રન્ટની સરકારમાં વડા પ્રધાન બન્યા હતા. એ સમયે મુલાયમ સિંહ સહિતના નેતાઓનાં નામ વડા પ્રધાન તરીકે ચર્ચાઈ રહ્યાં હતાં ત્યારે ગુજરાલની પસંદગીએ અનેકને ચોંકાવી દીધા હતા. વડા પ્રધાન કોણ બનશે એ મુદ્દે લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ સહિતના નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદો સરજાયા હતા. એ પછી ગુજરાલના નામ પર મંજૂરીની મહોર વાગી હતી. વડા પ્રધાન તરીકેના ૧૦ મહિનાના કાર્યકાળ બાદ ફરી કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચતાં ગુજરાલની સરકાર પડી ભાંગી હતી. બાદમાં દેશમાં નવેસરથી ચૂંટણી યોજાઈ હતી. રાજીવ ગાંધીની હત્યાની તપાસ કરી રહેલા જૈન પંચના અહેવાલને મુદ્દે કૉન્ગ્રેસે ફરી ટેકો પાછો ખેંચ્યો હતો. આઇ. કે. ગુજરાલ મૃદુ સ્વભાવ અને કવિ હૃદયના નેતા હતા.