પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત વધુ લથડી

28 August, 2020 04:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત વધુ લથડી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (ફાઈલ તસવીર)

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee)ની તબિયત વધુ લથડી હોવાના સમાચાર આવ્યા છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલે એક મેડિકલ બુલેટિન જાહેર કરતાં જણાવ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છેલ્લા 17 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને મગજની સર્જરી બાદ ગંભીર હાલતમાંથી પસાર થઈ રહ્યા છે.

પ્રણવ મુખરજીની તબિયત સતત લથડતી જાય છે. ડોકટરોના જણાવ્યા મુજબ, પ્રણવ મુખર્જી ડીપ કોમામાં ચાલ્યા ગયા છે અને તેઓ વેન્ટિલેટરના સપોર્ટ પર છે. તેઓ છેલ્લા 17 દિવસથી હૉસ્પિટલમાં દાખલ છે અને મગજની સર્જરી બાદ તેઓ હાલમાં ગંભીર હાલતમાંથી  પસાર થઈ રહ્યાં છે.

આર્મી રિસર્ચ અને રેફરલ હૉસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિના ફેફસામાં ચેપ લાગ્યો છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. ડૉકટરોની ટીમે જણાવ્યું હતું કે, પ્રણવ મુખરજીની કિડનીની સ્થિતિ પણ મંગળવારથી ઠીક નથી. તેમની હાલત 'હેમોડાયનેમિકલી સ્થિર' છે. આનો અર્થ એ કે, તેમનું હૃદય યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સામાન્ય છે.

ગયા અઠવાડિયે ફેફસાના ઇન્ફેક્શનની ફરિયાદ બાદ પ્રણવ મુખરજીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. નિષ્ણાત ડોકટરોની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને 10 ઓગસ્ટના રોજ બપોરે સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તે કોરોના પૉઝિટિવ હોવાનું જણાયું હતું, ત્યારબાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી.

national news indian politics pranab mukherjee