પૂર્વ CM શીલા દીક્ષિતને મળી દિલ્હી કૉંગ્રેસની કમાન

10 January, 2019 03:37 PM IST  | 

પૂર્વ CM શીલા દીક્ષિતને મળી દિલ્હી કૉંગ્રેસની કમાન

શિલા દીક્ષિતના હાથમાં દિલ્હીની કમાન

દિલ્હી કૉંગ્રેસને નવા અધ્યક્ષ મળી ચુક્યા છે. સતત 15 વર્ષો સુધી દિલ્હી પર શાસન કરનાર શીલા દીક્ષિતને દિલ્લી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ડૉ. યોગાનંદ શાસ્ત્રી, દેવેન્દ્ર યાદવ, હારૂન યૂસુફ અને રાજેશ લિલેઠિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે પાર્ટીમાં આંતરિક કલેશ છે, તેના કાબૂમાં લેવાનું કામ શીલા દીક્ષિત સારી રીતે કરી શકે તેમ છે. જેના કારણે શીલા દીક્ષિત અધ્યક્ષ તરીકે યોગ્ય છે. આ પદ માટે નામો તો ઘણા ચર્ચામાં હતા પરંતુ શીલા દીક્ષિત પદ માટે સૌથી આગળ હતા.

20 લોકોએ કરી હતી દાવેદારી

પ્રદેશ કૉંગ્રેસના મોભાદાર પદ માટે ઉપર-ઉપરથી તો 4 કે 5 જ નામો ચાલી રહ્યા હતા, પરંતુ 15 થી 20 જેટલા વરિષ્ઠ નેતાઓ દાવેદારી નોંધાવી ચુક્યા હતા. જેમાં પૂર્વ અધ્યક્ષ, સાંસદ, મંત્રી અને ધારાસભ્ય પણ સામેલ હતા. અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીમાં સચિવની જવાબદારી સંભાળી રહેલા નેતાઓ પણ આ પદ માટે રેસમાં હતા. જો કે આ પદ માટે વિરોધાભાસ પણ હતો. તમામ લોકો એકબીજાનું પત્તું કાપવાના પ્રયાસોમાં હતા. પરંતુ આખરે બાજી શીલા દીક્ષિતના હાથમાં આવી.

                                     આ પણ વાંચોઃ આર્થિક અનામત બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું

કેમ શીલા દીક્ષિતની થઈ પસંદગી?

દિલ્હીમાં શાસન કરવાનો 15 વર્ષનો અનુભવ શીલા દીક્ષિતનું સૌથી મોટું જમા પાસુ છે. શીલા દીક્ષિત એટલા કદ્દાવર નેતા છે જેને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ માને છે. શીલા દીક્ષિત દેશના એવા પહેલા મહિલા મુખ્યમંત્રી છે જેમણે સતત ત્રણ વાર મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. મુખ્યમંત્રી સિવાય તેઓ કેરળના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે.