ગુજરાતીઓ વિરૂદ્ધ ઝેર ઓકનારા નારાયણ રાણેનો કારમો પરાજય

20 October, 2014 04:06 AM IST  | 

ગુજરાતીઓ વિરૂદ્ધ ઝેર ઓકનારા નારાયણ રાણેનો કારમો પરાજય




મહારાષ્ટ્રમાં શિવસેના અને BJPની સરકાર હતી ત્યારે એક વર્ષ માટે ચીફ મિનિસ્ટર રહેલા અને પછી શિવસેના છોડીને કૉન્ગ્રેસમાં ગયેલા નારાયણ રાણેનો માલવણના કુડાળમાં પરાજય થયો છે. જોકે બાજુની કણકવલી સીટ પર તેમના પુત્ર નીતેશ રાણેનો વિજય થયો છે. નીતેશે BJPના વિદ્યમાન વિધાનસભ્ય પ્રમોદ જઠારને હરાવ્યા છે. નીતેશ પહેલી વાર ચૂંટણી લડ્યો હતો અને તે વિજયી નીવડ્યો છે. ચૂંટણીપરિણામ આવતાં નારાયણ રાણેએ નીતેશને પુષ્પગુચ્છ આપી તેને અભિનંદન આપ્યાં ત્યારે નીતેશ અશ્રુ નહોતો ખાળી શક્યો.

પરાજયનો સ્વીકાર કરતાં નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘મારો રાજકીય અસ્ત થયો છે અને નીતેશનો ઉદય થયો છે. કોંકણની જનતાએ મને મોટો નેતા બનાવ્યો હતો અને એણે જ મને હરાવ્યો છે. આ હાર જીવનમાં મારી પહેલી હાર છે અને એથી આ મારો રાજકીય અસ્ત છે એવું હું માનું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કણકવલીમાં રૅલી કરી હતી, પરંતુ કણકવલીમાં તેમ જ સમગ્ર સિંધુદુર્ગમાં રૅલીનો ખાસ પ્રભાવ નહોતો પડ્યો. નીતેશ વિજયી નીવડ્યો છે. હવે તેણે પોતાના મતવિસ્તારની જનતાનો વિશ્વાસ જીતવાનો છે.’

બીજું કોણ હાર્યું?   


હર્ષવર્ધન પાટીલ 

પુણેની ઇન્દાપુર સીટ પર ગઈ સરકારમાં મિનિસ્ટર રહેલા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા હર્ષવર્ધન પાટીલનો પરાજય થયો છે. તેમને NCPના દત્તાત્રય ભારણેએ હરાવ્યા છે.

બબનરાવ પાચપુતે

અહમદનગરમાં શ્રીગોંદા સીટ પર BJPના નેતા બબનરાવ પાચપુતે હારી ગયા છે. NCPના રાહુલ જગતાપે તેમને હરાવ્યા છે.

સતેજ પાટીલ

કોલ્હાપુર-સાઉથ સીટ પર ગઈ સરકારમાં મિનિસ્ટર રહેલા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા સતેજ પાટીલનો પરાજય થયો છે. તેમને BJPના અમૂલ મહાડિકે હરાવ્યા છે.

પ્રતિભા પાટીલનો પુત્ર હાયોર્

ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલના પુત્ર રાજેન્દ્ર ઉર્ફે રાવસાહેબ શેખાવત અમરાવતી સીટ પર કૉન્ગ્રેસની ટિકિટ પર લડતાં BJPના સુનીલ દેશમુખ સામે હારી ગયા છે.