અગ્નિપથ પર વિચાર વર્ષોથી, પણ છેક હવે હિંમત કરી

22 June, 2022 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા લીડર જ કહી શકે કે દેશના હિતમાં પગલું લેવા બદલ જો જરૂર પડે તો તેઓ એની રાજકીય કિંમત ચૂકવશેઃ ડોભાલ

અજીત ડોભાલ

નવી દિલ્હીઃ અગ્નિપથ ભરતી યોજનાની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન વચ્ચે હવે એના બચાવમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઊતર્યા છે. તેમણે ગઈ કાલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ યોજનાને પાછી ખેંચી લેવામાં નહીં આવે. તેમણે એના બચાવમાં કહ્યું હતું કે નવી સિસ્ટમથી આર્મી વધુ યુવા અને વધુ ટેક-સૅવી બનશે. તેમણે કહ્યું હતું કે ‘સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે એટલે ખૂબ જ વધારે ઍવરેજ એજ ધરાવતી એની આર્મી હોય એવી સ્થિતિ યથાવત્ ન રાખી શકાય.’
દોભાલે કહ્યું હતું કે ‘આ કંઈ સમજ્યા-વિચાર્યા વિનાનું પગલું નથી. આ યોજના વિશે દશકોથી ચર્ચા ચાલી રહી હતી.’ 
તેમણે આ વાતના સમર્થનમાં આર્મીની અને પ્રધાનોની અનેક સમિતિનો ઉલ્લેખ કર્યો હતો જેમાં આર્મ્ડ ફોર્સિસમાં આવી ભરતી યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી. 
ડોભાલે કહ્યું હતું કે ‘દરેકને ખ્યાલ આવ્યો હતો કે સમસ્યા છે પરંતુ કોઈની પાસે જોખમ લેવા માટે ઇચ્છાશક્તિ અને ક્ષમતા નહોતી. માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા લીડર જ કહી શકે કે દેશના હિતમાં પગલું લેવા બદલ જો જરૂર પડે તો તેઓ એની રાજકીય કિંમત ચૂકવશે.’
તેમણે એ આશંકા ફગાવી દીધી હતી કે ચાર વર્ષ બાદ અગ્નિવીરોનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવશે કે પછી તેઓ ભાડૂતી હુમલાખોરો બની જશે. ડોભાલે જણાવ્યું હતું કે અગ્નિવીરોની એવી ટ્રેઇનિંગ હશે અને સમાજ પ્રત્યેનું એવું કમિટમેન્ટ રહેશે કે તેઓ વાસ્તવમાં ‘આંતરિક સુરક્ષા માટેની ફોર્સ’ બની રહેશે.

‘અગ્નિપથ’ માટે ૧૯૮૯થી અનેક કમિટીઓએ ભલામણ કરી છે

આર્મ્ડ ફોર્સિસે ગઈ કાલે જણાવ્યું હતું કે તાજેતરમાં અગ્નિપથ યોજના વિશે વિશ્વસનીય માહિતી આપવામાં આવી હતી, એની અસરો જોવા મળી રહી છે. એનાથી આ યોજના વિશેની ગેરસમજ દૂર થઈ છે અને સૈનિક બનવાની તૈયારી કરી રહેલા યુવાનો અનેક જગ્યાઓએ એની ફરીથી તૈયારીમાં લાગી ગયા છે. 
લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય અને મિલિટરીમાં ટ્રેડિશનલ રેજિમેન્ટેશન સિસ્ટમ ચાલુ રહેશે.
સેનાની ત્રણેય પાંખની પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે વધુ કહ્યું હતું કે આ યોજના સંરક્ષણ મંત્રાલય અને સેનાની ત્રણેય પાંખમાં લાંબા સમયથી ચાલેલા વિચારવિમર્શનું પરિણામ છે. ૧૯૮૯થી અનેક કમિટીઓએ આ પ્રકારની યોજના માટે ભલામણ કરી છે. 

 

national news