આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ

13 September, 2020 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ

પ્રતીકાત્મક તસવીર

આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે, જોકે આ વખતે સત્ર શરૂ થવા પહેલા કોઈ સર્વપક્ષિય બેઠક થશે નહીં. 20 વર્ષમાં આમ પહેલી વખત બનશે. કોઈ પણ સત્રની પહેલા સર્વપક્ષિય બેઠક થતી હોય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિપક્ષી નેતાઓ વચ્ચે વધતા ટેન્શનને લીધે બેઠક નથી થઈ રહી.

આ પહેલા લોકસભા અધ્યક્ષે રવિવારે સંસદની બિઝનેસ એડવાઈઝરી કમિટીની મીટિંગ બોલાવી હતી. સવારે 11 વાગે શરૂ થયેલી આ મીટિંગમાં સંસદ સત્રના એજન્ડાની ચર્ચા થઈ હતી. બેઠકમાં સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી, કેન્દ્રિય મંત્રી અર્જુન રામ મેઘવાલ, કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને અસદુદ્દીન ઓવૈસી હાજર હતા.

આ વખતના મોનસૂન સત્રમાં વિપક્ષ ભારત-ચીન વિવાદ, કોરોના વાયરસ અને અર્થતંત્રના મુદ્દાઓને સામે મૂકી શકે છે. વર્ષ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાના કારણો આપીને ડોકલામ પર વાતચીત કરવાનું ટાળ્યું હતું. માર્ચમાં જાહેર કરવામાં આવ્યું હતું કે લૉકડાઉનને લીધે સંસદીય સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવે છે.

રાજ્યસભા સભાપતિ એમ વેકૈંયા નાયડૂએ 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના મોનસૂન સત્ર પહેલા કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. રાજ્યસભાના દરેક સભ્યએ કોવિડ-19 (આરટી-પીસીઆર) ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તેઓ સંસદ ભવન પરિસર અથવા સરકાર દ્વારા અધિકૃત કોઈ પણ હૉસ્પિટલ કે લેબમાં ટેસ્ટ કરાવી શકે છે.

સત્ર સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને તે પછી ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યાથી સુધી ચાલશે. શનિવાર અને રવિવારે પણ સંસદની કાર્યવાહી ચાલુ રહેશે. પહેલા દિવસને બાદ કરતા રાજ્યસભાની કાર્યવાહી સવારની પાળીમાં થશે અને લોકસભાની સાંજની પાળીમાં થશે.

national news