અસંતુષ્ટો માટે સોનિયા ગાંધીએ લક્ષ્મણરેખા ખેંચી

14 May, 2022 10:23 AM IST  |  Udaypur | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસની ચિંતન શિબિરમાં પાર્ટીનાં અધ્યક્ષે કહ્યું કે જે કંઈ કહેવું હોય એ અહીં કહો, બહાર તો એકતાનો જ મેસેજ જવો જોઈએ

ગઈ કાલે ઉદયપુરમાં કૉન્ગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પાર્ટીના નેતાઓને સંબોધતાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી.

વિધાનસભાની ચૂંટણીઓમાં કારમા પરાજય અને પાર્ટીના નેતાઓમાં વધતા જતા અસંતોષના માહોલમાં ગઈ કાલે રાજસ્થાનના ઉદયપુરમાં કૉન્ગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે પાર્ટીની દશા અને દિશા બદલવા માટે આ શિબિરમાં ચિંતન કરવામાં આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત લગભગ ૪૦૦ નેતાઓ આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહ્યાં છે. 
પ્રામાણિકતાથી આત્મનિરીક્ષણ
સોનિયાએ અહીં કહ્યું હતું કે અમે દેશના રાજકારણમાં પાર્ટીને ફરીથી એ ભૂમિકામાં લઈ જઈશું કે જે કૉન્ગ્રેસે હંમેશાં નિભાવી છે. અત્યારની વણસતી પરિસ્થિતિમાં લોકો આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અમે અહીં પ્રામાણિકતાથી આત્મનિરીક્ષણ કરી રહ્યા છીએ. સંગઠનમાં માળખાગત ફેરફારની જરૂર છે. અભૂતપૂર્વ પગલાં લઈને અભૂતપૂર્વ પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે. 
 
અસંતુષ્ટ નેતાઓને મેસેજ
તેમણે અસંતુષ્ટોને મેસેજ આપતા જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં કૉન્ગ્રેસના સંગઠનમાં વ્યાપક પરિવર્તન કરીને જ કૉન્ગ્રેસનું કલ્યાણ થઈ શકે છે. જેઓ સતત કહેતા રહ્યા છે કે તેમની વાત પાર્ટીમાં સાંભળવામાં આવતી નથી, તેઓ ચિંતન શિબિરમાં પોતાની વાત રજૂ કરે, પરંતુ બહાર તો મજબૂતી, મક્કમતા અને એકતાનો જ મેસેજ જવો જોઈએ. 

વાત લીક ન થાય એના માટે મોબાઇલ પર બૅન
પાર્ટીની આંતરિક ચર્ચાની વાતો અવારનવાર જાહેર થઈ જતી હોય છે. એટલે જ કૉન્ગ્રેસે ચિંતન શિબિરમાં સાવધાની રાખી હતી. પ્રતિનિધિઓને આંતરિક ચર્ચા દરમ્યાન મોબાઇલ ફોન્સ સાથે ન રાખવા જણાવાયું હતું. નોંધપાત્ર છે કે આંતરિક ચર્ચાનાં તારણો મીડિયામાં પહોંચી જતાં હોવાના મામલે આ અઠવાડિયામાં યોજાયેલી કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી, જેના પછી આ પગલું લેવામાં આવ્યું છે. 

નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો  
સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રમાં બીજેપી સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકીય વિરોધીઓને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે, જેલમાં નાખવામાં આવી રહ્યા છે, ઇન્વેસ્ટિગેશન એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકશાહીના તમામ સ્તંભને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ધ્રુવીકરણની સ્થિતિ કાયમી કરી છે. લોકો ડર અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કે જેઓ આપણા સમાજના અભિન્ન ભાગ છે.

કૉન્ગ્રેસ ‘એક ફૅમિલી, એક ટિકિટ’નો નિયમ લાવશે
કૉન્ગ્રેસની ચિંતન શિબિરના એજન્ડામાં ‘પાર્ટીના પદો માટે વયમર્યાદા’ તેમ જ ‘એક પરિવાર, એક ટિકિટ’નો નિયમ સામેલ છે. કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે ‘એક પરિવાર, એક ટિકિટ’નો નિયમ પાછો લાવવા માટે પાર્ટીમાં સર્વસંમતિ છે. આ નિયમ અનુસાર એક પરિવારમાંથી એક કરતાં વધારે વ્યક્તિઓ ચૂંટણી ન લડી શકે. કૉન્ગ્રેસના નેતા અજય માકેને કહ્યું હતું કે ‘જો ફૅમિલી મેમ્બર્સ આમ છતાં પણ ચૂંટણી લડવા ઇચ્છતા હોય તો તેઓ પાંચ વર્ષથી પાર્ટી માટે સક્રિયતાથી કામ કરતા હોવા જોઈએ.’ આ છૂટછાટના લીધે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ત્રણેય ચૂંટણી લડવાને પાત્ર છે. કૉન્ગ્રેસ ઓછામાં ઓછા અડધા પદ પર ૫૦ વર્ષ કરતાં ઓછી વયના લોકો રહે એના માટે પણ પ્લાન પર વિચાર કરી રહી છે. માકેને કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ એક પદ પર પાંચ વર્ષ કરતાં વધુ સમય ન રહેવો જોઈએ.’

national news congress sonia gandhi