૧૧મી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો ૮૮ વર્ષના ગણપતરાવ દેશમુખે

20 October, 2014 06:00 AM IST  | 

૧૧મી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો ૮૮ વર્ષના ગણપતરાવ દેશમુખે




રાજકારણમાં જૂના જોગી તરીકે જાણીતા PWPના ઉમેદવાર ગણપતરાવ દેશમુખે ગઈ કાલે ૧૧મી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને નવો વિક્રમ સજ્યોર્ છે. ૮૮ વર્ષના દેશમુખ સોલાપુર જિલ્લામાં સાંગોલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. દેશમુખે તામિલનાડુના DMKના પ્રમુખ એમ. કરુણાનિધિના ૧૦ વાર ચૂંટણી જીતવાના વિક્રમની ૨૦૦૯માં બરાબરી કરી હતી અને હવે તેઓ કરુણાનિધિથી આગળ નીકળી ગયા છે. ગઈ કાલે ગણપતરાવે ૯૪,૩૭૪ મતો મેળવી શિવસેનાના શાહજી પાટીલ બાપુને ૨૫,૨૨૪ મતોથી હરાવ્યા હતા.

ગણપતરાવ છેલ્લાં ૫૪ વષોર્થી સાંગોલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતે NCPએ દેશમુખ સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો. દેશમુખ દુકાળગ્રસ્ત વિસ્તારમાં ઘણું કામ કરે છે. ૨૦૧૪ની ચૂંટણી તેમની ૧૩મી વિધાનસભાની ચૂંટણી હતી. તેઓ સૌપ્રથમ ચૂંટણી ૧૯૬૨માં જીત્યા હતા અને ત્યાર બાદ ૧૯૭૨ અને ૧૯૯૫ની ચૂંટણીને બાદ કરતાં તેઓ ૧૦ ચૂંટણીઓ જીત્યા છે.

૨૦૧૨માં દેશમુખે વિધાનસભામાં ૫૦ વર્ષ પૂરાં કયાર઼્ હતાં, એ વખતે વિધાનસભા અને સરકારે તેમનો સત્કાર કર્યો હતો.

વિધાનસભામાં ગણપતરાવ મોટે ભાગે વિરોધ પક્ષમાં રહ્યા છે. જોકે બે વાર તેઓ પ્રધાન બની ચૂક્યા છે. પહેલી વાર જ્યારે શરદ પવારે કૉન્ગ્રેસ છોડી ત્યારે ૧૯૭૮માં અને બીજી વાર ૧૯૯૯માં તેઓ પ્રધાન બન્યા હતા. ત્યારે PWPએ કૉન્ગ્રેસ-NCP સરકારને ટેકો આપ્યો હતો.

આ વખતે ગણપતરાવ નવી પેઢી માટે પોતાની સીટ ખાલી કરવા ઇચ્છતા હતા. ત્યારે પરંતુ તેમના ટેકેદારોએ ચૂંટણી લડવાનો આગ્રહ સેવ્યો હતો. ગણપતરાવ પોતાની સાદાઈ માટે જાણીતા છે.