રાંચી: માતાને કાંધ આપનારા પાંચ દીકરાના કોરોનાથી થયા મોત

22 July, 2020 12:25 PM IST  |  Ranchi | Agencies

રાંચી: માતાને કાંધ આપનારા પાંચ દીકરાના કોરોનાથી થયા મોત

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના મહામારીના કેરથી ઝારખંડનો એક હસતો-રમતો પરિવાર આખો વિખરાઈ ગયો. કોરોના સંક્રમણના લીધે પરિવારમાં એક પછી એક ૬ સભ્યોના મોત થઈ ચૂકયા છે. પહેલાં માતા અને પછી તેની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઈ ગયા. ૧૫ દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઈ ગયું. મૃતક મહિલાના બીજા એક દીકરા સિવાય પરિવારના બીજા કેટલાય સભ્યોની પણ તબિયત ખરાબ કહેવાય છે. દેશમાં આ પ્રકારની કદાચ આ એકલી ખૂબ ખરાબ ઘટના છે, જેમાં કોરોનાથી એક જ પરિવારના છ લોકોનાં મોત થયાં. ચાર જુલાઈએ સૌથી પહેલાં ૮૮ વર્ષનાં માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ કરી તો ખબર પડી કે તેઓ કોરોના પૉઝિટિવ હતાં. ત્યાર બાદ કોરોનાના લીધે પરિવારના પાંચ દીકરાનું એક પછી મોત થયું. બીજો એક દીકરો હજી બીમાર છે.

આ કિસ્સો ધનબાદના કતરાસ વિસ્તારનો છે. રાની બજારમાં રહેતા એક પરિવારના છઠ્ઠા સભ્યનું સોમવારના રોજ કોરોના સંક્રમણના લીધે મોત થયું. મળતી માહિતી પ્રમાણે ચાર જુલાઈએ સૌથી પહેલાં ૮૮ વર્ષનાં માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ ચાલતી હતી ત્યાં કોરોના પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના દીકરાનું રાંચીની રિમ્સ કોવિડ હૉસ્પિટલમાં મૃત્યુ થયું. થોડાક દિવસ બાદ બીજા દીકરાનું મોત કેન્દ્રીય હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું.

મોતનું તાંડવ અહીં થોભ્યું નહીં, ત્રીજો દીકરો ધનબાદના એક ખાનગી ક્વૉરન્ટીન સેન્ટરમાં દાખલ હતો. ત્યાં એકાએક તબિયત એવી લથડી કે સીધો મોતના મુખમાં જ ધકેલાઈ ગયો. તેમનો ડ્રાઇવર તેમને પીએમસીએચ લઈ ગયો, પરંતુ ડૉક્ટરે મૃત જાહેર કરી દીધો. ૧૬ જુલાઈએ ચોથા દીકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કૅન્સરની સારવાર દરમ્યાન નિધન થયું. પાંચમા દીકરાને પણ ધનબાદની કોવિડ હૉસ્પિટલમાં રેફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરાયો હતો, જ્યાં સોમવારે તેણે છેલ્લા શ્વાસ લીધા. આમ કોરોના વાઇરસના સંક્રમણથી એક વૃદ્ધ મહિલા અને તેમના પાંચ દીકરાઓનાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. તો પરિવારના બીજા કેટલાય સભ્યોની સારવાર ચાલી રહી છે. આ પરિવારનું દુઃખ જે લોકો સાંભળે તેમનું કાળજું ફાટી રહ્યું છે.

ranchi jharkhand coronavirus covid19 national news