જેવર ઍરપોર્ટ પરથી આજે પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે : ઍરપોર્ટ માટે જમીન આપનારા ૧૭૨ ખેડૂતો પ્રવાસ કરશે

15 June, 2026 10:44 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના નોએડાસ્થિત જેવર ઍરપોર્ટથી પહેલી ફ્લાઇટ આજે ઉડાન ભરવાની છે.

૨૦૨૪માં મુખ્ય પ્રધાન યોગી જેવર ઍરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળ્યા ત્યારની ફાઇલ તસવીર.

ઉત્તર પ્રદેશના નોએડાસ્થિત જેવર ઍરપોર્ટથી પહેલી ફ્લાઇટ આજે ઉડાન ભરવાની છે. આ ઐતિહાસિક અને ગર્વની ક્ષણનું સૌથી સુંદર પાસું એ છે કે આ પહેલી ફ્લાઇટના સાક્ષી અને મુસાફરો કોઈ રાજકારણી કે ઉદ્યોગપતિ નહીં પરંતુ આ પ્રદેશના ૧૭૨ ખેડૂતો છે જેમણે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પોતાની પૂર્વજોની જમીન સમર્પિત કરી હતી.

જેવર વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય ધીરેન્દ્ર સિંહના ખાસ પ્રયાસોને કારણે ૧૭૨ ખેડૂતોને વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. ધીરેન્દ્ર સિંહ પોતે જેવરથી લખનઉ જવા માટે આ ખેડૂતો સાથે ફ્લાઇટમાં ચડશે. આ ખેડૂતો માટે આ સફરથી એક સપનું સાકાર થશે, જેમણે વર્ષોથી પોતાનાં ખેતરોમાં ખેડાણ કરતી વખતે વિમાનોને આકાશમાં ઊડતાં જોયાં હતાં. તેઓ પોતાની ખેતીની જમીન પર બનેલા રનવે પરથી ઉડ્ડયન ભરશે અને આકાશને પાર કરશે.

જેવર ઍરપોર્ટથી પહેલી ફ્લાઇટમાં લખનઉ પહોંચ્યા પછી બધા ૧૭૨ ખેડૂતો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજધાની પહોંચ્યા પછી આ ખેડૂતો મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ખાસ સૌજન્ય-મુલાકાત કરશે. 

national news india noida uttar pradesh yogi adityanath