રામ મંદિર ટ્રસ્ટમાં પહેલી વાર સેક્રેટરીની અપૉઇન્ટમેન્ટ

31 July, 2026 09:20 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

મૂળ પુણેના, IIT-બૉમ્બેમાં ભણેલા, પ્રોફેશનલ કરીઅર દરમ્યાન વિદેશમાં રહીને નિવૃત્તિ પછી ભારત પાછા ફરેલા જગદીશ આફળેની સચિવપદે નિયુક્તિ

જગદીશ આફળે

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના વિવાદ બાદ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વહીવટી ક્ષેત્રે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના રોજિંદા વહીવટને અને કામગીરીને વધુ પારદર્શક તથા સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી ટ્રસ્ટ દ્વારા સેક્રેટરીના નવા પદની રચના કરીને પુણેના વતની અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી જગદીશ આફળેની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરે યોજાનારી ટ્રસ્ટની કાર્યકારી બેઠકમાં આ નિમણૂકને વિધિવત્ મંજૂરી આપવામાં આવશે.

નવા નિમાયેલા સચિવ જગદીશ આફળે મંદિરના દૈનિક વહીવટ અને સંચાલનની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. તેઓ ટ્રસ્ટના વચગાળાના જનરલ સેક્રેટરી કૃષ્ણ મોહનને રિપોર્ટ કરશે. જોકે જગદીશ આફળે હોદ્દેદાર તરીકે કાર્ય કરશે પરંતુ તેઓ ટ્રસ્ટના સભ્ય ગણાશે નહીં.

દાનના વિવાદ બાદ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે જગદીશ આફળેને બૅન્કિંગ વ્યવહારો માટે સહસહીકર્તા (જૉઇન્ટ સિગ્નેટરી) તરીકેની સત્તા પણ સોંપવામાં આવી છે. ટ્રસ્ટના વચગાળાના જનરલ સેક્રેટરી કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે હવેથી બૅન્કિંગ હેતુઓ માટે જગદીશ આફળે અને તેઓ પોતે સંયુક્ત સહીકર્તા રહેશે. શરૂઆતમાં સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નૅશનલ બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાએ ટ્રસ્ટના બંધારણમાં સુધારો કર્યા વિના તેમને સહીકર્તા તરીકે સ્વીકારવામાં અનિચ્છા દર્શાવી હતી; પરંતુ ટ્રસ્ટના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે.

CEO માટે શૉર્ટલિસ્ટ થયા ૩ ઉમેદવાર
ટ્રસ્ટ દ્વારા હાલમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની પણ પસંદગી-પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ૫૨૦૦થી વધુ અરજીઓમાંથી શૉર્ટલિસ્ટ કરાયેલા ૩ ઉમેદવારોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. નવા સચિવ જગદીશ આફળે છેલ્લા ૧૫ દિવસથી મંદિરની વહીવટી પ્રક્રિયાઓથી માહિતગાર થઈ રહ્યા છે અને બીજી સપ્ટેમ્બરે વિધિવત્ મંજૂરી બાદ સત્તાવાર રીતે પદભાર સંભાળશે.

કોણ છે જગદીશ આફળે?
મૂળ પુણેના રહેવાસી જગદીશ આફળે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ IIT-બૉમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTech અને MTechની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેમણે યુરોપ અને અમેરિકા સહિતની દેશ-વિદેશની અગ્રણી મલ્ટિનૅશનલ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર સેવાઓ આપી છે અને નિવૃત્તિ બાદ ભારત પાછા ફર્યા છે. નોંધનીય છે કે જગદીશ આફળે રામ મંદિરનાં નિર્માણકાર્યોથી અજાણ નથી. મંદિરના પાયાના ખોદકામથી લઈને પ્લિન્થ અને અન્ય તકનીકી બાંધકામમાં મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ યોગદાન આપનાર ૪ વરિષ્ઠ એન્જિનિયરોની ટીમમાં તેઓ સામેલ હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી અયોધ્યાના તીર્થક્ષેત્ર ભવન ખાતે રહીને મંદિરનિર્માણ પ્રોજેક્ટમાં કાર્યરત છે.

national news india ayodhya ram mandir religious places