09 October, 2025 07:32 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
CJI ભૂષણ ગવઈ
મહારાષ્ટ્ર પોલીસે નવી મુંબઈના એક વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈ પર બુટ ફેંકવાની ઘટનાનો AI-જનરેટેડ વીડિયો અપલોડ કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે, એમ અધિકારીઓએ ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું. નવી મુંબઈના પનવેલના રહેવાસી આરોપીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરીને સીજેઆઈ ગવઈના અપમાનજનક સંદર્ભો ધરાવતો વીડિયો બનાવ્યો હતો. પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે પનવેલના એક વ્યક્તિએ અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર થયેલો વીડિયો જોયો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે, બુધવારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને SC/ST (અત્યાચાર નિવારણ અધિનિયમ) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. વીડિયોના મૂળ સ્ત્રોત અને તે કોણે બનાવ્યો તે શોધવા માટે સાયબર નિષ્ણાતોને પણ જોડવામાં આવ્યા છે. “અમે વીડિયોના પ્રસારમાં સામેલ IP એડ્રેસમાં અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ.પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા માટે નિર્દેશો પણ જાહેર કર્યા છે. આ પહેલા, સોમવારે, નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં તેમના કોર્ટરૂમમાં એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ પર જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI) એ સોમવારે કોર્ટ કાર્યવાહી દરમિયાન CJI ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનારા 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરની દરેક પ્રેક્ટિસને સ્થગિત કરી દીધી હતી. કાઉન્સિલે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ શરૂ કરી હતી.
શિષ્ટાચારના ભંગમાં, કિશોર સુનાવણી દરમિયાન મંચ પર પહોંચ્યા અને CJI પર બુટ ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક પકડી લીધા હતા. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ અસોસિએશન (SCAORA) એ સર્વાનુમતે ઠરાવમાં આ ઘટનાની સખત નિંદા કરી છે. વિપિન નાયરના નેતૃત્વમાં, અસોસિએશને કિશોરના કૃત્યને એક વકીલ દ્વારા ‘અપમાનજનક અને અસંયમી હરકત’ ગણાવી હતી.
કિશોરે મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો અને જોરથી બૂમ પાડી, "ભારત સનાતન ધર્મના અપમાનને સહન કરશે નહીં." કિશોરની તાત્કાલિક કોર્ટ પરિસરમાં અટકાયત કરવામાં આવી પછી તેમણે સ્વીકાર્યું કે હુમલો મુખ્ય ન્યાયાધીશ પર નિર્દેશિત હતો અને તેમણે ન્યાયાધીશ પાસે માફી માગી. સુપ્રીમ કોર્ટના વકીલ રોહિત પાંડે, જે બાર એસોસિએશનના સભ્ય છે, તેમણે કહ્યું કે આ હુમલો CJI ની અગાઉની ટિપ્પણી, ‘ભગવાનને પૂછો’ની પ્રતિક્રિયા હોઈ શકે છે. તેમણે આ કૃત્યની નિંદા કરી અને કડક શિસ્તબદ્ધ કાર્યવાહીની માગ કરી. આ ઘટના મધ્યપ્રદેશના જવારી મંદિરમાં 7 ફૂટની વિષ્ણુ પ્રતિમા ફરીથી સ્થાપિત કરવાની અરજીને CJI ગવઈ દ્વારા ફગાવી દેવાના વિવાદ સાથે સંબંધિત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "આ ફક્ત પ્રચારનો મામલો છે. હવે ભગવાનને જાતે પૂછો. જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો, તો જાઓ અને તેમને પ્રાર્થના કરો."