19 May, 2026 02:25 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
બળી રહેલો કોચ
મધ્ય પ્રદેશમાં રવિવારે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બાદ ગઈ કાલે સવારે બિહારના સાસારામમાં રેલવે-પ્લૅટફૉર્મ પર ઊભી રહેલી પટના ફાસ્ટ પૅસેન્જરના એક ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને એક ડબ્બો બળીને ખાખ થયો હતો. સદ્નસીબે કોઈ પ્રવાસીને ઈજા થઈ નહોતી. આ ઘટના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર બની હતી. સાસારામ-પટના ફાસ્ટ પૅસેન્જર પ્લૅટફૉર્મ પર ઊભી હતી ત્યારે સવારે ૫.૩૦ વાગ્યે એક ડબ્બામાંથી ધુમાડો દેખાવાનો શરૂ થયો હતો. આના પગલે પૅસેન્જરોમાં અફરાતફરી મચી ગઈ હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને પ્રવાસીઓએ ઝડપથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર-બ્રિગેડે આવીને ૬.૦૫ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી. સંભવતઃ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.