૮ મજૂરો જીવતા ભૂંજાયા, મૃતદેહોનાં અંગો વીણી-વીણીને થેલીમાં ભેગાં કરવાં પડ્યાં

17 February, 2026 09:13 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં ફટાકડા બનાવવાની ગેરકાનૂની ફૅક્ટરીમાં આગ

આગ દરમ્યાન ધડાકા થતાં શબ ક્ષત-વિક્ષત હાલતમાં વેરવિખેર થઈને પડ્યા હતા.

રાજસ્થાનના ભિવાડીની ફૅક્ટરીમાં ગઈ કાલે લાગેલી આગ બુઝાવતાં દોઢ કલાક લાગ્યો હતો.

રાજસ્થાનના ભિવાડીમાં એક કેમિકલ ફૅક્ટરીમાં ગઈ કાલે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફૅક્ટરીમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવાઈ રહ્યા હતા અને એમાં ભરપૂર દારૂગોળો રખાયો હોવાથી આગ લાગતાં ધડાકો થયો હતો. આગ લાગી ત્યારે ફૅક્ટરીમાં ૨૫ મજૂરો કામ કરી રહ્યા હતા, પણ આગમાં ૮ મજૂરો બળીને મૃત્યુ પામ્યા હતા. ૪ મજૂરો અત્યંત ગંભીર રીતે દાઝ્યા છે અને તેમને દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં લઈ જવાયા છે. મૃત્યુ પામનારાઓનાં શબ અત્યંત ક્ષતવિક્ષત હાલતમાં હતાં. તેમનાં અંગોને કોથળીમાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. 

પોલીસે ફૅક્ટરીના મૅનેજર અભિનંદનને પકડ્યો છે અને તેની પૂછપરછ કરી રહી છે. આગ કઈ રીતે લાગી એ શોધવા માટે પહોંચેલી ટેક્નિકલ ટીમને પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ધડાકો નાના કદના એક્સપ્લોઝિવ મટીરિયલને કારણે થયો હતો. કેમિકલ કે ગૅસના લીકેજની સંભાવના નથી. ફૅક્ટરીનો માલિક રાજેન્દ્ર છે જેણે આ ફૅક્ટરી લીઝ પર આપી હતી. માલિક અને લીઝ પર લેનાર વ્યક્તિ બન્ને અત્યારે ફરાર છે.  

national news india rajasthan fire incident Crime News