દિલ્હીમાં ૪ માળના બિલ્ડિંગમાં દુકાન અને ઘરોમાં લાગી આગ, નવનાં મોત

19 March, 2026 10:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જીવ બચાવવા છલાંગ લગાવનારા બે જણ ઘાયલ

બીજા અને ત્રીજા માળ પર લોકો રહેતા હતા. ચોથા માળ પર ટિનનો શેડ લાગ્યો હતો. ત્યાં સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

દિલ્હીના પાલમસ્થિત સાધનગરમાં ૪ માળના બિલ્ડિંગમાં બુધવારે સવારે ૭ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૯ જણ મૃત્યુ પામ્યા હતા. એમાં ૩ ટીનેજર છોકરીઓ હતી. બે જણે જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી હતી. તેમને ગંભીર ઈજા થઈ છે. દિલ્હી ફાયર સર્વિસના કર્મચારીઓએ ૧૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. એમાંથી ૩ જણ ઘાયલ છે. આગની શરૂઆત શૉર્ટ સર્કિટથી થઈ હતી, પરંતુ બહુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. એ સમયે બિલ્ડિંગમાં પંદરથી ૨૦ લોકો હતા. ૯ જણનાં શબ બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયર-બ્રિગેડના કહેવા મુજબ બિલ્ડિંગ અંદરથી ખૂબ ખરાબ રીતે બળી ગયું છે. જ્યાં આગ લાગી હતી એની આજુબાજુનાં અને સામેનાં બિલ્ડિંગોને પણ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. સાંકડી ગલીમાં નાની બારીઓવાળી રૂમોમાં આગ ફેલાઈ હોવાથી લોકોએ દીવાલો તોડીને એમાં પાણીના ફુવારા છોડીને આગ શમાવવાની કોશિશ કરી હતી.

બિલ્ડિંગના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર કપડાં અને કૉસ્મેટિકના સમાનનો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. બીજા અને ત્રીજા માળ પર લોકો રહેતા હતા. ચોથા માળ પર ટિનનો શેડ લાગ્યો હતો. ત્યાં સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

પાલમમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારાઓના પરિજનોને વડા પ્રધાને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવાની અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 

national news india fire incident delhi news new delhi