20 October, 2025 09:49 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આગનો ધુમાડો છેક બે કિલોમીટર દૂર સુધી જોઈ શકાતો હતો
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ફટાકડા માર્કેટમાં ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ફતેહપુરમાં એમ. જી. કૉલેજના ગ્રાઉન્ડમાં ફટાકડાનું બજાર હતું જ્યાં શનિવારે સવારે મોટી સંખ્યામાં લોકો ફટાકડા લેવા પહોંચ્યા હતા. જોકે એ જ સમયે શૉર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી હતી. એ આગ બેકાબૂ થઈ જતાં એક પછી એક દુકાનો આગની જ્વાળામાં લપેટાતી ગઈ હતી. ફટાકડાઓના ધડાકા સતત થતા જ રહ્યા હતા. આગમાં છ લોકો ઘાયલ થયા હતા. બાકી તરત જ માર્કેટને ખાલી કરાવી લેતાં મોટી જાનહાનિ ટળી હતી. દોઢ કલાકમાં ૫૦૦થી વધુ ધમાકા થતા રહ્યા હતા અને તમામ ૭૦ દુકાનો સળગી ગઈ હતી. ચીફ ફાયર અધિકારી જયવીર સિંહે કહ્યું હતું કે ‘આગ પહેલાં એક દુકાનમાં લાગેલી, પણ પંદર-વીસ મિનિટમાં તો આખા માર્કેટમાં ફેલાઈ ગઈ હતી. દુકાનદારો અને ફટાકડા ખરીદવા આવેલા લોકોની ૫૦થી વધુ બાઇક પણ આ આગમાં બળી ગઈ હતી. બપોરે બે વાગ્યા પછી ફાયર-બ્રિગેડની ટીમ આગને ઓલવવામાં સફળ રહી હતી. જોકે આગનો ધુમાડો છેક બે કિલોમીટર દૂર સુધી જોઈ શકાતો હતો.’