રાહુલ ગાંધીનાં ૬ કલાકનાં ધરણાં બાદ પેલેટ ગન કેસમાં FIR, આરોપી અજ્ઞાત

22 August, 2026 10:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધી ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા.

ગઈ કાલે ધરણા પર બેઠેલા અને પછી FIRની કૉપી દેખાડતા રાહુલ ગાંધી.

જંતર મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સાહિલ લોચબની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે, પરંતુ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાહિલનો આરોપ છે કે પેલેટની ઈજાઓને કારણે તેણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. 

રાહુલ ગાંધી ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી FIR દાખલ ન થાય ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનો નથી. પોલીસે સાંજે ૫:૩૦ વાગ્યે FIR દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ અગાઉ રાહુલ ગાંધીએ સાહિલને વાગેલી ઈજાઓ બતાવી હતી અને કહ્યું હતું કે ‘પેલેટ ગનથી ફાયરિંગ થયાના પુરાવા છે. આ ગોળીઓ સાહિલના શરીરમાંથી નીકળી છે. જો પોલીસે ફાયરિંગ ન કર્યું હોય તો કોણે ફાયરિંગ કર્યું? પોલીસ કહી રહી છે કે તેમને ઉપરથી FIR ન નોંધવા સૂચના છે.’

રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, રણદીપ સુરજેવાલા અને જયરામ રમેશ પણ હાજર હતા. ૨૦ જુલાઈએ સંસદકૂચ દરમ્યાન વિરોધ કરી રહેલો વિદ્યાર્થી સાહિલ ઘાયલ થયો હતો.

ન્યાય તરફનું પહેલું પગલું: રાહુલ ગાંધી
FIR દાખલ થયા પછી સાહિલના પરિવાર સાથે બહાર આવેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘અમે અહીં આવીને કંઈ નવું કર્યું નથી, પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં અમને ૮ કલાક લાગ્યા છે. આ ન્યાય તરફનું પહેલું પગલું છે. પોલીસ ફરિયાદ નોંધવા માગતી હતી, પરંતુ તેમને ઉપરથી રોકવામાં આવ્યા હતા.’

national news india rahul gandhi congress jantar mantar delhi police