તિરૂપતિ બાલાજીના ધનાઢ્ય મંદિરમાં આર્થિક સંકટ, કર્મચારીઓના વેતનમાં વિલંબ

12 May, 2020 06:22 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

તિરૂપતિ બાલાજીના ધનાઢ્ય મંદિરમાં આર્થિક સંકટ, કર્મચારીઓના વેતનમાં વિલંબ

તિરૂપતિ બાલાજી મંદિર

તિરૂપતિ બાલાજી મંદિર દેશમાં સૌથી ધનાઢ્ય મંદિર માનવામાં આવે છે. દેશ જ્યારે લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની અસર મંદિરો પર પણ જોવા મળી છે. તિરૂપતિ બાલાજી મંદિર ટ્રસ્ટને આ મહિને તેમના 21 હજાર કર્મચારીઓને સમયસર વેતન આપવામાં મુશ્કેલીઓ આવી રહી છે. મંદિરના કર્મચારીઓને આ વાતની માહિતી આપી દેવામાં આવી છે કે તેમનું વેતન કાપવામાં કે અટકાવવામાં આવ્યું નથી પણ વિલંબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 20 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે તિરૂપતિ બાલાજી મંદિર બંધ હોવાની દર મહિને થતું દાન અને હુંડી છેલ્લા 55 દિવસોછી મળ્યું નથી. જેથી મહિને લગભગ 200 કરોડ રોકડ ન મળ્યું હોવાથી 55 દિવસમાં મંદિર ટ્રસ્ટને લગભગ 400 કરોડના દાનનું નુકસાન થઈ ગયું છે. દાનમાં આવેલા ઘટાડાને કારણે ટ્રસ્ટે તેમના રોજના ખર્ચમાં અને કાર્યોમાં મુશ્કેલીઓ નડી રહી છે. નોંધનીય છે કે નાણાંકીય વર્। 2020-21 માટે ફેબ્રુઆરીમાં જ ટ્રસ્ટે 3309 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું. ટ્રસ્ટના PRO ટી. રવિના કહ્યા પ્રમાણે ટ્રસ્ટમાં 21 હજાર કરતા વધારે કર્મચારીઓ છે. તેમાંથી 8 હજાર જેટલા કર્મચારીઓ સ્થાઇ છે જ્યારે 13 હજાર કર્મચારીઓ કૉન્ટ્રાક્ટ પર છે.

તિરૂપતિ બાલાજી મંદિરમાં સામાન્ય રીતે દિવસમાં લગભગ 80 હજારથી એક લાખ શ્રદ્ઘાળુઓ દર્શનાર્થે આવતાં હતાં જે હવે લૉકડાઉનને કારણે દર્શન બંધ હોવાથી તેમના આવવા પર પણ પ્રતિબંધ છે. ફક્ત પુજારીઓ અને અધિકારીઓને જ પ્રવેશની પરવાનગી છે. મહિનામાં લગભગ 150થી 170 કરોજનું દાન મળે છે આ સિવાય લાડુના પ્રસાદનું વેચાણ, રેસ્ટહાઉસ યાત્રી નિવાસ વગેરેમાંથી જે આવક મળે છે તે બધું જોડીને એક મહિનામાં લગભગ 200થી 220 કરોડ રૂપિયા ટ્રસ્ટ પાસે જમા થાય છે. જેમાંથી 120 કરોડ રૂપિયા માત્ર વેતન અને ભથ્થા પર ખર્ચ થાય છે. વર્ષ 2019-20માં કર્મચારીઓના પગાર પર લગભગ 1300 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

મંદિરની એફડી અને સોનાનો ઉપયોગ નહીં કરે ટ્રસ્ટ
વાય એસ સુબ્બારેડ્ડી જે મંદિર ટ્રસ્ટના ચેરમેન છે તેમણે સ્પષ્ટતા કરી કે પગાર અને ભથ્થાં માટે મંદિર ટ્રસ્ટ તેમની ફિક્સ ડિપૉઝિટ અને સોનાનો ઉપયોગ ક્યારેય નહીં કરે. નોંધનીય છે કે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસે લગહગ 1400 કરોડનું કેશ અને લગભગ 8 ટન સોનું રિઝર્વ છે. આન્ધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પણ ટ્રસ્ટને આવું ન કરવા માટે કહ્યું છે કારણ કે આ નાણું અને સોનું ભક્તોએ આપ્યું છે. તેમની સાથે તેમની ભાવનાઓ જોડાયેલી છે. તેનો ઉપયોગ ટ્રસ્ટના ખર્ચાઓ માટે ન કરવામાં આવે.

tirupati national news