માનવીય ભૂલ કે ષડ‍્યંત્ર?

06 July, 2022 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝી ન્યુઝના ઍન્કર માટે બે રાજ્યોની પોલીસ વચ્ચે ફાઇટ ઃ છત્તીસગઢની પોલીસે રોહિત રંજનની ધરપકડ કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુપીના ગાઝિયાબાદની પોલીસે તેમને અટકાવ્યા હતા

રોહિત રંજન

નવી દિલ્હી: ઝી ટીવીના ન્યુઝ ઍન્કર રોહિત રંજનની ધરપકડ કરવા માટે ગઈ કાલે છત્તીસગઢમાંથી રાયપુર પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ પહોંચી હતી. નોંધપાત્ર છે કે થોડાક દિવસ પહેલાં આ ચૅનલે રાહુલ ગાંધીના એક વીડિયોને તદ્દન ખોટા સંદર્ભમાં રજૂ કર્યો હતો. જેના માટે ચૅનલે માફી પણ માગી હતી. ચૅનલે એને માનવીય ભૂલ ગણાવી હતી, પરંતુ રાયપુર પોલીસ એને ષડયંત્ર ગણી રહી છે. રાયપુર પોલીસની ટીમ આ મામલે જ રોહિતની ધરપકડ કરવા પહોંચી હતી.  
જોકે કૉન્ગ્રેસશાસિત છત્તીસગઢ અને બીજેપીશાસિત ઉત્તર પ્રદેશની પોલીસ આ ઍન્કરની કસ્ટડી માટે લડતી અને ધક્કામુક્કી કરતી જોવા મળી હતી. છત્તીસગઢની પોલીસે આ ઍન્કરની ધરપકડ કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુપીના ગાઝિયાબાદની પોલીસે તેમને અટકાવ્યા હતા. બાદમાં નોઇડાની પોલીસે રોહિતને કસ્ટડીમાં લીધો હતો.
રાયપુરના ​સિનિયર પોલીસ સુપરિન્ટેડેન્ટ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ માટે, ઉશ્કેરણી અને લોકોની ધાર્મિક લાગણીઓ પર આઘાત પહોંચાડવા બદલ રોહિત રંજનની વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.’ 
રોહિત રંજનના ઘરે સવારે લગભગ સાડાપાંચ વાગ્યે છત્તીસગઢની પોલીસની ટીમ પહોંચી ત્યારે તેમણે ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશ પોલીસની મદદ માગી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ‘છત્તીસગઢ પોલીસ સ્થાનિક પોલીસને માહિતી આપ્યા વિના તેમની કસ્ટડીમાં લેવા માટે આવી છે.’
છત્તીસગઢ પોલીસે જવાબમાં જણાવ્યું હતું કે ‘વૉરન્ટ હોવાથી તેમણે કોઈને પણ જણાવવાની જરૂર નથી.
બાદમાં ગાઝિયાબાદ પોલીસ રોહિતને એક અજાણી જગ્યાએ લઈ ગઈ. જેના લીધે છત્તીસગઢની ટીમ તેમની ધરપકડ ના કરી શકી. અત્યારે રોહિત નોઇડા પોલીસની કસ્ટડીમાં છે અને તેમના પર હળવા અને જામીનપાત્ર આરોપો ઘડવામાં આવ્યા છે.

મામલો શું છે?

રાહુલ ગાંધી ગયા અઠવાડિયામાં શુક્રવારે વાયનાડ ગયા હતા. એ દરમ્યાન રાહુલે પોતાની ઑફિસ પર થયેલા હુમલા બાબતે કહ્યું હતું કે ‘જે બાળકોએ આ કર્યું છે એ પણ અમારાં જ છે. આ સારું કામ નથી. મારા મનમાં એને લઈને દ્વેષ નથી. મને નથી લાગતું કે તેઓ આ બાબતોને બરાબર સમજે છે. એવામાં અમે તેમને માફ કરીએ છીએ.’ રાહુલ ગાંધીના આ સ્ટેટમેન્ટને ઝી ન્યુઝના ડીએનએ શોમાં રોહિત રંજને ખોટા સંદર્ભમાં રજૂ કર્યું હતું. રોહિત રંજને પોતાના શોમાં રાહુલ ગાંધીના એક જુલાઈના આ સ્ટેટમેન્ટને ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરાઈ હતી એ રીજે રજૂ કર્યું હતું. એ પછી તરત જ કૉન્ગ્રેસશાસિત રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં કે​સિસ દાખલ કરવામાં આવ્યા હતા.

national news