પહેલા ઈઝરાયેલની આર્મીના વખાણ થતા પણ હવે ભારતીય સૈન્યની બહાદુરીની ચર્ચા : મોદી

19 October, 2016 07:12 AM IST  | 

પહેલા ઈઝરાયેલની આર્મીના વખાણ થતા પણ હવે ભારતીય સૈન્યની બહાદુરીની ચર્ચા : મોદી



ભારતીય સૈન્યની આતંકવાદ વિરોધી સર્જિકલ સ્ટ્રાઇકને ઇઝરાયલની આ પ્રકારની વીરતાભરી કામગીરી સાથે સરખાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય અન્ય કોઈથી ઊતરતું નથી.

હિમાચલ પ્રદેશમાં ત્રણ જળવિદ્યુત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ મંડીમાં એક જાહેર સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણા સૈન્યની બહાદુરીની ચર્ચા આજકાલ આખા દેશમાં કરવામાં આવી રહી છે. ઇઝરાયલ આવું કરતું હોવાની વાતો આપણે અગાઉ સાંભળતા હતા. ભારતીય સૈન્ય કોઈનાથી ઊતરતું નથી એ આપણે જોઈ લીધું છે.’

ઇઝરાયલ એના દુશ્મનદેશો અને આતંકવાદી જૂથો સામે લક્ષ્યાંકિત લશ્કરી હુમલા કરવા માટે જાણીતું છે.

સશસ્ત્ર દળોના કલ્યાણ માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ લશ્કરી કર્મચારીઓ માટે વન રૅન્ક, વન પેન્શન યોજના અમલી બનાવવાનું વચન અમારી સરકારે પાળી દેખાડ્યું છે. આ બાબતે પહેલા હપ્તામાં ૫૫૦૦ કરોડથી વધુ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે અને બાકીનાની પણ કરવામાં આવશે.’