દેશનાં ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત

12 January, 2021 02:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશનાં ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત

નવી દિલ્હીના સંજય લેકમાંથી મરેલા હંસને બહાર કાઢતા સુધરાઈના કર્મચારી (તસવીર: એ.એફ.પી.)

કોરોના વાઇરસ સંક્રમણની વચ્ચે બર્ડ ફ્લૂ મોટો ખતરો બની રહ્યો છે અને મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ એની પુષ્ટિ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુપરમ્બા ગામમાં બર્ડ ફ્લૂથી ૯૦૦ મરઘીનાં મોત થયાં છે. તો દિલ્હીમાં પણ ૮ પક્ષીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.

કેરળથી શરૂ થયેલ બર્ડ ફ્લૂ અત્યાર સુધી ૯ રાજ્યોને પોતાની ઝપટમાં લઈ ચૂકયું છે. બર્ડ ફ્લૂ કેરળ સિવાય ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ પહોંચી ચૂકયો છે. આ રાજ્યોમાં કાગડાઓ સિવાય મોટી સંખ્યામાં બીજાં પક્ષીઓનાં મોત થયાં છે. ત્યાર બાદ ખતરાને જોતાં અન્ય રાજ્યોના પશુ અને પક્ષી વિભાગોને અલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ૯૦૦ મરઘીઓનાં મોત પછી નમૂનાઓ ભોપાલ લૅબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં અહેવાલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યાર બાદ ૧ કિલોમીટરના અંતર્ગત આવતા તમામ પૉલ્ટ્રી ફાર્મમાં હાજર તમામ મરઘાં અને અન્ય પક્ષીઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની સાથે જ ૧૦ કિલોમીટરની અંદર આવતાં તમામ પક્ષીઓની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશાસને આ ગામને સંક્રમિત ઝોન જાહેર કર્યો છે અને ગામના તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કડક પગલાં લીધાં છે અને ૧૦ દિવસ માટે પૂર્વ દિલ્હીની ગાઝીપુર મુર્ગા મંડીને બંધ કરી દીધી છે. આ સિવાય સરકારે જીવંત પક્ષીઓની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કેન્દ્ર સરકારે બર્ડ ફ્લૂના જોખમ પર નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે અને કેન્દ્રીય પશુપાલન મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને જરૂરી દિશાનિર્દેશ રજૂ કરી દીધા છે. એની સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કેટલીક ટીમો ઘણાં રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે જેની દેખરેખ રાખવી જોઈએ.

દિલ્હીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ: મૃત કાગડા અને બતકના ૮ નમૂના પૉઝિટિવ

દિલ્હીના પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર અહીં માર્યા ગયેલા કાગડાઓ અને બતકના આઠ નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ એવિયન ફ્લૂ (એચ ૫ એન ૧) ની પુષ્ટિ થઈ છે. તમામ નમૂનાઓ પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી પુષ્ટિ થઈ ગઈ છે કે દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક આપી દીધી છે.

national news