એફડીઆઇ-અનામતને મુદ્દે સતત બીજા દિવસે સંસદ ઠપ

24 November, 2012 07:34 AM IST  | 

એફડીઆઇ-અનામતને મુદ્દે સતત બીજા દિવસે સંસદ ઠપ


લોકસભામાં તૃણમૂલ કૉન્ગ્રેસના સભ્યો એફડીઆઇના વિરોધમાં વેલમાં ધસી આવ્યા હતા તો ડાબેરી પક્ષો અને બીજેપીના સભ્યો પણ હોબાળામાં જોડાયા હતા. બીજેપી સહિતની પાર્ટીઓ સમાજવાદી પાર્ટી અને બીએસપી પર સરકારને મદદ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. જોકે આ પાર્ટીના સભ્યોએ પણ પ્રમોશનમાં અનામતને મુદ્દે નારેબાજી કરીને કામગીરી ચાલવા દીધી ન હતી. સરકારે વિપક્ષને મનાવવા માટે સોમવારે ઑૅલ પાર્ટી મીટિંગ બોલાવી છે.


લોકપાલ બિલ પરની સિલેક્ટ કમિટીનો રિપોર્ટ સંસદમાં રજૂ

લોકપાલ બિલ પર રચાયેલી સિલેક્ટ કમિટીએ ગઈ કાલે સંસદમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કમિટીએ તેના અહેવાલમાં લોકાયુક્તની નિમણૂકનો મુદ્દો કેન્દ્રીય બિલમાંથી બાકાત રાખવાની ભલામણ કરી છે. એટલું જ નહીં, આ બિલમાં વિદેશ તથા આંતરિક સલામતી સહિતના વિવિધ મુદ્દે વડા પ્રધાનને લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને બીએસપીના હોબાળા વચ્ચે રાજ્યસભામાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. લોકપાલ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે, પણ રાજ્યસભામાં વિવિધ જોગવાઈને કારણે બિલનો વિરોધ થઈ રહ્યો છે. તીવ્ર મતભેદોને પગલે બિલ સિલેક્ટ કમિટીને સોંપવામાં આવ્યું હતું. ગઈ કાલે રજૂ થયેલા અહેવાલમાં કરવામાં આવેલી ભલમણો પર હવે કૅબિનેટ અંતિમ નિર્ણય લેશે એ પછી બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે. બાદમાં બિલમાં કરાયેલા સુધારાઓને મંજૂરી માટે બિલને ફરી લોકસભામાં રજૂ કરવામાં આવશે.


બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બીએસપી = બહુજન સમાજ પાર્ટી