બાપ-બેટા વચ્ચે સુલેહની શક્યતા નહીંવત્

04 January, 2017 06:32 AM IST  | 

બાપ-બેટા વચ્ચે સુલેહની શક્યતા નહીંવત્




સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના જૂથે ચૂંટણીપ્રતીક સાઇકલ પર પોતાનો દાવો રજૂ કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કર્યા પછી ગઈ કાલે તેમના દીકરા અખિલેશ યાદવના જૂથે ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું હતું કે હવે પક્ષનું નેતૃત્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ હસ્તક છે, મુલાયમ સિંહ હવે પક્ષના સર્વોચ્ચ નેતા નથી.

અખિલેશની છાવણીના નેતાઓ રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ અને કિરણમય નંદાએ ઇલેક્શન કમિશનરને મળીને સાઇકલના ચૂંટણીપ્રતીક પર અધિકારનો મક્કમતાથી દાવો કર્યો હતો. ઇલેક્શન કમિશનર સમક્ષ રજૂઆતની વિગતો મીડિયાને આપતાં રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે પક્ષના ૯૦ ટકા સભ્યો અમારી સાથે હોવાથી ખરો સમાજવાદી પક્ષ અમારો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીપ્રતીક બાબતે સામસામા દાવાને કારણે ચૂંટણી પંચના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. ચૂંટણી પંચ પાસે પ્રતીક બાબતે નિર્ણય લેવાનો ઓછો સમય બચ્યો છે ત્યારે વચગાળાના ઉપાય તરીકે સાઇકલનું પ્રતીક સ્થગિત કરીને બન્ને જૂથોને પક્ષનાં નવાં નામ અને પ્રતીકો શોધીને એના દ્વારા ચૂંટણી લડવાની સૂચના પંચ તરફથી આપવામાં આવે એવી શક્યતા છે.

ગઈ કાલે દિલ્હીથી લખનઉ પાછા આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમના ફાધર મુલાયમ સિંહ યાદવ સમક્ષ સમાધાનની ઑફર મૂકી હોવાનું જાણવા મળ્યું હતું. કહેવાય છે કે અખિલેશ યાદવે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પોતાને સોંપવામાં આવે તો પક્ષનું પ્રમુખપદ મુલાયમ સિંહને સુપરત કરવાની તૈયારી દાખવી હતી અને બીજી બાજુ કાકા શિવપાલ યાદવને સ્ટેટ લેવલથી હટાવીને નૅશનલ લેવલના હોદ્દા પર પ્રમોટ કરવાની માગણી કરી હતી, જેથી ઉત્તર પ્રદેશના સ્તરે શિવપાલની દખલગીરી ઓછી થાય. જોકે અખિલેશની આ શરતો મુલાયમને માન્ય ન હોવાનું કહેવાય છે.

અખિલેશની છાવણીએ ચૂંટણીપ્રતીક સાઇકલ પર અધિકારના દાવા માટે ચૂંટણી પંચ સમક્ષ મક્કમ રજૂઆત કર્યાના કેટલાક કલાકો બાદ લખનઉ પાછા આવ્યા પછી અખિલેશ યાદવ તેમના ફાધરના ઘરે પહોંચ્યા હતા અને બે કલાક મંત્રણા કરી હતી. આ લાંબી મંત્રણાને પગલે લોકોમાં બાપ-બેટા વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે અખિલેશની છાવણીએ સમાધાનના આ પ્રયાસો ખૂબ મોડા હોવાનું જણાવ્યું હતું. શિવપાલ યાદવ પણ દિલ્હીથી પાછા આવ્યા બાદ અખિલેશ અને મુલાયમની મંત્રણામાં સામેલ થયા હતા. 

અખિલેશને સાઇકલ નહીં મળે તો વૃક્ષ માગશે


ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી સાવ નજીક આવી છે ત્યારે સમાજવાદી પાર્ટીની બન્ને છાવણીઓમાં ચૂંટણીપ્રતીક સાઇકલ મેળવવાની હુંસાતુંસીમાં અખિલેશ યાદવે વિકલ્પો તૈયાર રાખ્યા છે. ચૂંટણીપ્રતીક સાઇકલ સાથે ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારતાં મુલાયમછાવણી રોકે તો વૃક્ષના ચૂંટણીપ્રતીક સાથે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી અખિલેશ યાદવે રાખી છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના પક્ષ સમાજવાદી પાર્ટી (રાષ્ટ્રીય)નું ચૂંટણીપ્રતીક વૃક્ષ છે. એ પક્ષના પ્રમુખ કમલ મોરારકાએ અખિલેશને વૃક્ષના પ્રતીક સાથે ચૂંટણી લડવાની ઑફર મોકલી છે.

અખિલેશની છાવણીના વરિષ્ઠ નેતાએ કમલ મોરારકા તરફથી આવી ઑફર મળી હોવાના સમાચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટીના પ્રમુખપદે અખિલેશની વરણી નિયમો પ્રમાણે જ કરવામાં આવી છે. અમારા અધિવેશનમાં પક્ષની કારોબારીના મોટા ભાગના સભ્યો હાજર હોવાથી સાઇકલના પ્રતીક બાબતે ચૂંટણી પંચ અમારી તરફેણમાં જ નિર્ણય લેશે એવી અમને અપેક્ષા છે.’