ફારુક-ઓમર અબદુલ્લા દેશની વિરુદ્ધ નથી: ભૂતપૂર્વ રૉ ચીફ દુલત

16 March, 2020 10:54 AM IST  |  New Delhi

ફારુક-ઓમર અબદુલ્લા દેશની વિરુદ્ધ નથી: ભૂતપૂર્વ રૉ ચીફ દુલત

ઓમર અબદુલ્લા

લગભગ ૭ મહિના નજરકેદ રાખ્યા બાદ નૅશનલ કૉન્ફરન્સ નેતા ફારુક અબદુલ્લાને હવે છોડી મૂક્યા છે. અચાનક છોડવાનો આ ઑર્ડર મોદી સરકારે કેમ આપી દીધો એને લઈ આઇબીના સ્પેશ્યલ ડિરેક્ટર અને રૉના પ્રમુખ રહી ચૂકેલા એ.એસ. દુલતે મોટો દાવો કર્યો છે. દુલતના મતે આ નિર્ણય ફારુક સાથેની તેમની મુલાકાત બાદ લેવાયો છે. દુલતનું માનીએ તો ફારુકે મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો (ઓમર) દેશના વિરુદ્ધ બિલકુલ નથી.

એ.એસ. દુલતને કાશ્મીરના જૂના એક્સપર્ટ કહેવાય છે. રૂબિયા અપહરણ અને કંધાર પ્રકરણમાં પણ દુલત જ મધ્યસ્થતા કરી ચૂક્યા છે. તેમનું માનીએ તો તાજેતરમાં જ કાશ્મીર પ્રવાસ સામાન્ય નહોતો, પરંતુ મિશન ફારુક હતું. એમાં તેઓ ફારુક અબદુલ્લાને મળ્યા તેની માહિતી એનએસએ અજિત ડોભાલ અને પ્રધાનમંત્રી કાર્યાલયને આપી હતી.

દુલતે આ વાત એક મોટા ટીવી પત્રકારને આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે. દુલતે કહ્યું કે તેઓ શ્રીનગરમાં ફારુકને મળ્યા હતા. તેમણે જોયું કે ભૂતપૂર્વ સીએમ ખૂબ થાકેલા હતા અને તેમની તબિયત સારી નહોતી. ફારુકે જોર આપીને દુલતને કહ્યું કે તેઓ ભારત માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમણે પોતાનાં બાળકોનું પણ એ રીતે લાલનપાલન કર્યું છે.

દુલત કહે છે કે સિક્રેટ મિશન પરથી પરત આવ્યાના અંદાજે એક મહિના બાદ જ ફારુકને નજરકેદમાંથી છોડી દેવાયા. દુલતે કહ્યું કે તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં ફારુકને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી, પરંતુ ત્યારે ગૃહ મંત્રાલયે કોઈ જવાબ આપ્યો નહોતો. પછી ૯ ફેબ્રુઆરીના રોજ ગૃહ મંત્રાલયમાંથી ફોન આવ્યો કે જો હું કાશ્મીર જવા માગું છું તો જઈ શકું છું.

national news farooq abdullah