આંદોલનકારી ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યુ

04 December, 2020 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંદોલનકારી ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યુ

તસવીર સૌજન્યઃ એએનઆઈ

નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરી દીધુ છે. દિલ્હી-હરિયાણાને જોડતી સિંધુ બોર્ડર પર કબજો જમાવી બેઠેલા ખેડૂત સંગઠનોએ સરકાર સાથે પાંચમા તબક્કાની વાતચીત પહેલા શુક્રવારે સાંજે પત્રકાર પરિષદ કરી એલાન કર્યુ હતું કે જો કેન્દ્ર સરકાર તેમની માંગો નહીં માને તો 5 ડિસેમ્બરે દેશભરમાં વડાપ્રધાન મોદીના પૂતળા દહન કરશે અને 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કરવામાં આવશે.

ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ એચએસ લખોવાલે શુક્રવારે કહ્યુ હતું કે ખેડૂતોની માંગ હેઠળ કૃષિ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો 5 ડિસેમ્બરે દેશભરમાં મોદી સરકાર અને કોર્પોરેટ હાઉસિસના પૂતળા દહન કરીશું. 7 ડિસેમ્બરે તમામ વીર તેમના મેડલ્સ પાછા આપશે. 8 ડિસેમ્બર ભારત બંધનું એલાન કર્યુ છે કે તેઓ એક દિવસ માટે તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરવામાં આવશે.

અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહનું કહેવુ હતું કે આ આંદોલનને વધારે ધારદાર કરવાની જરુર છે. સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે.

ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના નેતૃત્વમાં ત્રણ કેન્દ્રિય મંત્રી સાથે આંદોલનકારી ખેડૂતોના પ્રતિનિધિમંડળની ગુરુવારે થયેલી બેઠક પણ અસ્પષ્ટ રહી હતી.

national news