ખેડૂતો તેમના પ્રશ્નોની રજૂઆત કરે, સરકાર ચર્ચા કરવા તૈયાર

02 December, 2020 11:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખેડૂતો તેમના પ્રશ્નોની રજૂઆત કરે, સરકાર ચર્ચા કરવા તૈયાર

ખેડૂતોના નેતાઓ સાથે વાતચીત કરતા કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તેમ જ અન્ય પ્રધાનો (તસવીર: પી.ટી.આઈ.)

કેન્દ્રીય પ્રધાનો અને ૩૦થી વધુ કિસાન સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચેની ગઈ કાલે યોજાયેલી મંત્રણામાં કોઈ ઉકેલ મળ્યો નહોતો. કૃષિ કાયદા મામલે કમિટી બનાવવાના સરકારના પ્રસ્તાવને ખેડૂત આગેવાનોએ ફગાવી દીધો હતો.

વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી મીટિંગમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ અને રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્રધાન અને પંજાબના સંસદસભ્ય સોમપ્રકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી મીટિંગ ગુરુવારે યોજાશે એવું કેન્દ્રીય નેતાઓએ જણાવ્યું હતું. મીટિંગ બાદ કૃષિપ્રધાન તોમરે કહ્યું હતું કે ખેડૂતો નવા કૃષિ કાયદા સામે શું પ્રશ્ન છે એ નક્કી કરે. સરકાર તેમની ચિંતાઓ દૂર કરવા મક્કમ છે. 

ગઈ કાલે સાંજે સાત વાગ્યે ભારતીય કિસાન યુનિયનના નેતાઓ સાથે પણ સરકારે મીટિંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કૃષિ કાયદા ઉપરાંત ખેડૂતો માટે વીજબિલના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સિંધુ બૉર્ડર પર કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો (તસવીર: પી.ટી.આઈ.)

જોકે એ પહેલાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડના કૃષિનેતાઓ સાથે વિજ્ઞાન ભવનમાં ચર્ચાઓ થઈ હતી. આંદોલનકારી ખેડૂતો કૃષિ કાયદો હટાવવાની માગ કરી રહ્યા છે. નવા કાયદામાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ સિસ્ટમ હટાવી દેવાથી મોટા કૉર્પોરેટ ગૃહના હવાલે એને કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

મીટિંગના કલાકો પહેલાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ, તોમર અને ગોયલે બીજેપી પ્રમુખ જે. પી. નડ્ડા સાથે કેન્દ્રના નવા કૃષિ સુધારણા કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ વિશે સઘન ચર્ચા કરી હતી.

national news