દિલ્હીમાં આજે બપોરે ૧૨ વાગ્યે ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી

26 January, 2021 12:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં આજે બપોરે ૧૨ વાગ્યે ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી

ગાઝીપુર બૉર્ડર પર ખેડૂત-આંદોલન દરમ્યાન ખેડૂતોએ ભાંગડા કર્યા હતા (તસવીર: પી.ટી.આઇ.)

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે ૬૧મો દિવસ છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર પહેલી વખત ખેડૂત ટ્રૅક્ટર-પરેડ કાઢશે, કારણ કે ઘણા વખતની ચર્ચા પછી દિલ્હી પોલીસે ખેડૂતોની પરેડને મંજૂરી આપી દીધી છે. જોકે પરેડના રૂટ અંગે સસ્પેન્સ યથાવત્ છે. આ અંગે પોલીસ અને ખેડૂતોના અલગ-અલગ દાવા છે.

દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે સોમવારે કહ્યું કે ‘ખેડૂતનેતાઓ સાથે વાતચીત પછી ટ્રૅક્ટર-રૅલીના ૩ રૂટ માટે સહમતિ બની ગઈ છે. અમે રૂટની મુલાકાત પણ કરી. અમુક દેશવિરોધી તત્ત્વ ગરબડ કરી શકે છે, જેના માટે અમે સતર્ક છીએ.’

પરેડ ત્રણ જગ્યાએથી શરૂ થશે, જેમાં સિંધુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડરનો સમાવેશ થાય છે. આ ટ્રૅક્ટર-રૅલીમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો સામેલ થશે. દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોમાં સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સામેલ છે.

૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં કાઢવામાં આવનારી ટ્રૅક્ટર-પરેડમાં સામેલ થવા માટે દેશભરમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે સંયુક્ત ખેડૂત મોરચાને સિંધુ અને ટિકરીથી લગભગ ૬૪ કિલોમીટર અને ગાઝીપુર બૉર્ડરથી ૪૬ કિલોમીટરની પરેડ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.

મંગળવારે ખેડૂતોએ ટ્રૅક્ટર-પરેડથી સંબંધિત કાયદા-વ્યવસ્થા માટે સંક્ષિપ્ત સૂચના પર ચાલવા માટે તમામ રીતે તૈયાર રહેવું પડશે. પોલીસે કહ્યું છે કે ટ્રૅક્ટર પરેડ દિલ્હીના ત્રણ સીમાબિંદુ જેવા કે સિંધુ, ટિકરી અને ગાઝીપુરથી આયોજિત કરવામાં આવશે અને આ અંગે પર્યાપ્ત સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.

ખેડૂતનેતાઓએ પ્રજાસત્તાક દિવસે ટ્રૅક્ટર-પરેડમાં સામેલ થતા લોકોને ૨૪ કલાક માટે રૅશન ઉપલબ્ધ કરાવવાની સાથે જ પરેડ દરમિયાન શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. ખેડૂતનેતા હરિન્દરસિંહ લખોવાલે કહ્યું કે અમારો રૂટ-મૅપ કુલ ૫૦૦ કિલોમીટરનો છે. અમે રૂટ-મૅપ બનાવી લીધો છે અને કાલે નેટ પર પણ મૂકી દઈશું. સરકાર તમામ પ્રકારની તૈયારી કરે જેથી કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. અમે ૩૦૦૦ વૉલન્ટિયર્સની ફૉર્સ બનાવી છે. આથી કોઈ ગડબડ ન થાય અને ટ્રૅક્ટર-રૅલી શાંતિપૂર્વક થશે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી ટ્રૅક્ટર-પરેડમાં જોડાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બૉર્ડર પર પહોંચી રહ્યા છે.

પ્રજાસત્તાક દિવસના અવસર પર દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રૅક્ટર-રૅલી યોજાનાર છે, જેમાં હજારો ખેડૂતો ભાગ લેનાર છે. ત્યારે ઉત્તર પ્રદેશના ખેડૂતોને આ રૅલીમાં ભાગ લેતા રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર કડક વલણ અપનાવી રહી છે. આગરા ક્ષેત્રમાં ૧૦૦ જેટલા ખેડૂતનેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.

national news