ખેડૂત આંદોલનને સાતમો દિવસ: ક્રાન્તિકારી કિસાન યુનિયનની મોટી માગણી

03 December, 2020 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેડૂત આંદોલનને સાતમો દિવસ: ક્રાન્તિકારી કિસાન યુનિયનની મોટી માગણી

દિલ્હીની સિંધુ બૉર્ડર પાસે મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતો (તસવીર : પી.ટી.આઇ.)

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન બુધવારે ૭મા દિવસે પણ યથાવત્ છે. ખેડૂતોએ સાંજે લગભગ સવાપાંચ વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ કરી. ક્રાન્તિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે સરકાર કાયદાને ખતમ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેઓએ કહ્યું કે પાંચ ડિસેમ્બરે મોદી સરકાર અને કૉર્પોરેટ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ સ્વરાજ સિંહે કહ્યું કે ‘અમે રસ્તા પર નથી બેઠા. પ્રશાસને બૅરિકેડ્સ અને જવાનોને ઊભા રાખીને અમારો રસ્તો રોક્યો છે અને એથી અમે અહીં રોકાઈ ગયા છીએ. અમને આ જગ્યા અસ્થાયી જેલ જેવી લાગે છે અને અમને રોકવાની વાત ધરપકડ જેવી છે. અમે જેવા જ અહીંથી છૂટીશું કે સીધા જ દિલ્હી જઈશું.’

કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બન્ને મંત્રીઓએ ખેડૂતો સાથેની વાતચીતની અપડેટ અમિત  શાહને આપી.

ખેડૂતોની આવક અડધી થઈ છે અને સરકારના મિત્રોની આવક ચાર ગણી થઈ છે : રાહુલ ગાંધી

કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવતા નવા કાયદાને કારણે ખેડૂતોની આવક વધવાની શક્યતા ઊભી થયાના વડા પ્રધાનના દાવાને ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખોટો ગણાવ્યો હતો. તેમણે ખેડૂતો પર બળપ્રયોગ અને અત્યાચારનો પણ દાવો કર્યો હતો.

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અપલોડ કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘તેઓ કહે છે કે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ હકીકતમાં ખેડૂતોની આવક અડધી થઈ છે અને સુટબૂટ સરકારના મિત્રોની આવક ચાર ગણી વધારવામાં આવી છે. આ સુટબૂટ સરકાર જૂઠાણાં અને લૂંટ ચલાવે છે.’

national news