આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે

09 December, 2020 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા ગઈ કાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશનાં કેટલાંક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. દેશમાં ઘણી જગ્યાએ ટાયરો સળગાવી અને હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ રહી છે. જયપુરમાં બીજેપીની ઑફિસની બહાર કૉન્ગ્રેસ-બીજેપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે વધુ વાત કરવામાં આવે તો આજે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક વખત બેઠક યોજાશે.

બીજેપી શાસિત ૧૭માંથી ૧૫ રાજ્યમાં પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી છે. બિહારના દરભંગામાં રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરોએ રસ્તાઓ પર દેખાવો કર્યા. અહીં ગંજ ચોકમાં રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યાં છે. આરજેડી ખેડૂતોએ આપેલા ભારત બંધનું સમર્થન કરી રહી છે. કર્ણાટકમાં કૉન્ગેસ નેતાઓએ દેખાવો કર્યા.

કલકત્તામાં જ જાદબપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ કાર્યકર્તાઓએ ટ્રેન રોકી હતી. ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી હતી. કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી બૉર્ડર પર છેલ્લા ૧૩ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો સતત ખેડૂત કાયદા પરત લેવા માટેની માગણી કરી રહ્યા છે. એના મુદ્દે સરકાર સાથે અત્યાર સુધી પાંચ તબક્કામાં બેઠકો થઈ ચૂકી છે. અગાઉ પણ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. જોકે આજે ૯ ડિસેમ્બરે યોજાનારી સરકાર સાથેની વાતચીતમાં જોડાવાની સંમતિ પણ વ્યક્ત કરી હતી.

ભારત બંધની દેશભરમાં કેવી અસર?

national news bharat bandh