આંદોલનકારી ખેડૂતો ઠંડી, વરસાદને કારણે પરેશાન

04 January, 2021 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આંદોલનકારી ખેડૂતો ઠંડી, વરસાદને કારણે પરેશાન

સિંઘુ સરહદ પર વિરોધ પ્રદર્શનના સ્થળે જમા થયેલું વરસાદનું પાણી (તસવીર: પી.ટી.આઈ)

આખી રાત પડેલા વરસાદને લીધે પાણીથી ભરાયેલા ટેન્ટ અને ભીના થયેલા આગના લાકડા અને ધાબળાને કારણે દિલ્હીની સરહદ પર નવા ફાર્મ લૉનો વિરોધ કરી રહેલા ખેડૂતોની ગઈ કાલની સવાર તકલીફદાયી રહી હતી.

રાતભર પડેલા વરસાદને કારણે વિરોધના સ્થળ પર પાણી ભરાઈ ગયું હતું અને વૉટરપ્રૂફ ટેન્ટ પણ ખેડૂતોની તકલીફો ઘટાડી શક્યા નહોતા.

સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અને ખેડૂતોના નેતા અભિમન્યુ કોહારે જણાવ્યું હતું કે ખેડૂતો પાસે વૉટરપ્રૂફ ટેન્ટ હતાં પરંતુ ઠંડી અને જળભરાવથી તેમનું રક્ષણ થઈ શક્યું નહોતું. વરસાદને કારણે જળભરાવ થતાં વિરોધના સ્થળે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. વધુમાં વરસાદ પડવાને કારણે ઠંડી પણ વધી ગઈ હતી, પરંતુ સરકારને અમારી તકલીફ કે અમારી હાલત દેખાતી નથી એમ તેઓએ કહ્યું હતું.

જોકે વાતાવરણમાં આવેલા ફેરફાર છતાં તેમનો જુસ્સો ઓછો નથી થયો એમ જણાવતાં સિંઘુ સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ગુરવિંદર સિંહે કહ્યું હતું કે અમે હજી પણ અમારી માગણીઓ સાથે સમાધાન કરવા તૈયાર નથી.

national news