Supreme Court: કેન્દ્ર સરકાર કૃષિ કાયદો અટકાવે, નહીંતર અમે અટકાવશું

11 January, 2021 12:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court: કેન્દ્ર સરકાર કૃષિ કાયદો અટકાવે, નહીંતર અમે અટકાવશું

તસવીર-પીટીઆઇ

સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના આંદોલન સંબંધિત તમામ અરજીઓ પર આજે સુનાવણી શરૂ થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને નથી ખબર કે સરકાર આ કાયદાઓને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ સરકારને કહ્યું કે જો તમારામાં પુરતી સમજ હોય તો આ કાયદાઓનું અમલીકરણ ન કરો.  સવારે જ્યારે સુનાવણી ચાલુ થઇ તેના અમુક કલાકો પછી ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ખેડૂતોને કહ્યું કે, અમે કૃષિ કાયદો લાગૂ નહીં થવા દઈએ. તમે આંદોલન ચાલું રાખી શકો છો. ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે. ચિફ જસ્ટિસે કેન્દ્ર સરકારને આડે હાથે લેતાં કહ્યું કે, "જે રીતે આ બિલને લઇને કામગીરી થઇ છે તે ઘણું નિરાશાજનક છે અને ખેડૂતો તથા સરકાર વચ્ચે શું વાત ચાલે છે તેની અમને જાણ પણ નથી. વડી અદાલતે એમ પણ પૂછ્યું કે અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું આ ખેડૂતોને લગતા કાયદાના અમલને થોડોક સમય માટે અટકાવી શકાય ખરો?"

ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ તો ત્યાં સુધી કહ્યું કે, "સરકાર તરીકે તમે કહો છો કે તમે વાત કરી રહ્યા છો, પણ કોની સાથે કરી રહ્યા છો, આ કેવા વાટાઘાટ છે?" તેમણે આ આંદોલનો જે બિલ્સને કારણે થયા છે તે તમામની તપાસ કરવા માટે એક અલગ સમિતિ બનાવવાની જાહેરાત પણ કરી છે અને ક્હયું કે જો આ નવા કયાદાઓને સરકાર હોલ્ડ પર નહીં રાખે તો અમે જ તેની પર બાદ મૂકી દઇશું. 

બેન્ચમાં જજ એસ એસ બોપન્ના અને વી સુબ્રમણ્યિમ પણ હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે કાં તો તમે આ કાયદા રોકો કાં તો અમે એ કરીશું ત્યારે યાચિકા કરનારા પક્ષના વકીલે કહ્યું કે માત્ર એ જ બાબતો પર બાધ મૂકો જેને લઇને વિવાદ છેડાયો છો ત્યારે કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે અમે આખા જ કાયદા પર બાધ મૂકીશું, લોકો મરી રહ્યા છે પણ છતાં ય આપણે કાયદાઓ રોકી નથી રહ્યા જે ખોટું છે. 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તમે સમાધાનનો હિસ્સો છો કે સમસ્યાનો? વળી એક પણ એવી પિટીશન નથી જેમાં એ સ્પષ્ટતા કરાઇ હોય કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. આ આંદોલનમાં હિંસા થશે તેની પણ અમને ફિકર છે અને અમે વચ્ચેનો માર્ગ કાઢવા માગીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે આ સ્થિતિની જવાબદારી લેવી જોઇએ અને સરકાર કોઇ પણ કાયદો લાગુ કરતી હોય તો તેની એક યોગ્ય પ્રક્રિયા હોવી જોઇએ, આ મામલે જે થયું છે તેનાથી અમે નિરાશ છીએ.