સરકાર-ખેડૂતોની આઠમી બેઠક પણ અનિર્ણિત રહી

05 January, 2021 12:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સરકાર-ખેડૂતોની આઠમી બેઠક પણ અનિર્ણિત રહી

ફાઈલ તસવીર

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનો અને સરકારના પ્રધાનો વચ્ચેની બેઠકમાં કોઈ જ ચોક્કસ ઉકેલ મળ્યો નહોતો. ગઈ કાલે બન્ને પક્ષો વચ્ચે ૮મી રાઉન્ડ બેઠક થઈ હતી.ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીતમાં ખેડૂત સંગઠનોના એમએસપી પર લેખિત ખાતરી અને ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માગણી વિશે સરકારે કહ્યું કે આ ત્રણેય કાયદામાં કયા સુધારા કરવામાં આવશે એ નક્કી કરવા સંયુક્ત સમિતિ બનાવીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારની આ દરખાસ્તને ખેડૂત સંગઠનોએ ફગાવી દીધી હતી.કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે એવી આશા વ્યકત કરી હતી કે આઠમી જાન્યુઆરીએ મળનારી બેઠકમાં કોઈ ઉકેલ મળશે. તાળી બન્ને હાથથી વાગે છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાના મુદ્દે ચર્ચા થઈ હતી. અગાઉની ચર્ચામાં સરકાર બે મુદ્દા પર સંમત થઈ હતી, પરંતુ બે મુદ્દા પર મંથન ચાલુ છે. આ તબક્કે પણ ખેડૂતોનો વિરોધ ઊડીને આંખે વળગે એવો છે, ખેડૂત અગ્રણીઓએ સરકારના પ્રધાનો સાથે જમવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તમે તમારું જમો અને અમે અમારું જમીશું. સરવાળે કોઈ જ ચોક્કસ ઉકેલ વગર બેઠક પૂર્ણ થઈ હતી. આમ આઠ જાન્યુઆરીએ ફરી એક વાર સરકાર-ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.ખેડૂત નેતાઓએ એવું કહ્યું હતું કે સરકારને અહમ નડી રહ્યો છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકારની આ બેઠક અઢી વાગ્યે શરૂ થઈ હતી. બેઠકની શરૂઆતમાં કિસાન આંદોલન દરમિયાન જે લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમના માટે પ્રધાનો અને ખેડૂતોએ બે મિનિટ મૌન રાખ્યું હતું.

national news