દિલ્હી પોલીસે ભડકાવનાર ટ્વીટ કરવા બદલ ગ્રેટા થનબર્ગ સામે કેસ દાખલ કર્યો

05 February, 2021 10:35 AM IST  |  New Delhi

દિલ્હી પોલીસે ભડકાવનાર ટ્વીટ કરવા બદલ ગ્રેટા થનબર્ગ સામે કેસ દાખલ કર્યો

ગઈ કાલે જંતર મંતર પર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી પૉપ સિંગર રિહાના અને ગ્રેટા થનબર્ગના ફોટાેઓ બાળતા યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટના કાર્યકર્તાઓ. તસવીર : પી.ટી.આઈ.

ખેડૂત આંદોલન સંદર્ભે ભડકાવનારી ટ્વીટ કરવા બદલ દિલ્હી પોલીસે ક્લાયમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પૉપ સિંગર રિહાના પછી ગ્રેટા થનબર્ગ સહિત અનેક વૈશ્વિક હસ્તીઓએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું, જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપતાં પહેલાં તથ્યો જાણવાની ટકોર કરી હતી.

સ્વીડનની ક્લાયમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક સમાચારની લિન્ક શૅર કરતાં કહ્યું હતું કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અમે એક છીએ. જે લોકોને આંદોલન માટે મદદ જોઈતી હોય તેમના માટે ટૂલકિટ (સોફ્ટવેર) શૅર કર્યું છે, જે તેના વપરાશકારોને ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વિવિધ પદ્ધતિઓની માહિતી ઉપલબ્ધ કરશે. આ અગાઉ ગ્રેટા થનબર્ગે અન્ય એક ટૂલકિટ શૅર કર્યું હતું. આ ટ્વીટ તેમણે પછીથી ડિલિટ કરી હતી અને આ જ ટ્વીટ માટે વિવાદ વકર્યો છે.

ભારત સરકારનું કહેવું છે કે આ દેશવિરોધી પ્રૉપગૅન્ડા છે. બુધવારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ભારત પર નિશાન સાધનારાઓ દ્વારા ચલાવવામાં આવતા અભિયાન ક્યારેય સફળ નહીં થાય.

કોઈ ધમકી ખેડૂતોના આંદોલનને અટકાવી નહીં શકે

પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે દાખલ કરેલી એફઆઇઆર બાદ ફરી એક વાર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તે હજી પણ ખેડૂતો સાથે તેમના આંદોલનમાં ઊભી છે અને કોઈ પણ પ્રકારની નફરત કે ધમકી તેને બદલી નહીં શકે. ગ્રેટા વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા કલમ ૧૫૩-એ, ૧૨૦-બી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલાં ગ્રેટાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કઈ રીતે ભારત સરકાર પર દબાણ મૂકી શકાય અને એ માટે તેણે પોતાના કામકાજની યોજના સંબંધિત એક દસ્તાવેજ પણ શૅર કર્યો હતો. ગ્રેટાની આ દખલને વખોડતાં બીજેપીનાં સંસદસભ્ય મીનાક્ષી લેખીએ તેને બાલ વીરતા પુરસ્કાર આપવાની ભારત સરકારને દરખાસ્ત કરી હતી. ગ્રેટાએ ભારતને છંછેડવાનો પ્રયત્ન કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હોવાનું કહી તેની ટીકા પણ કરવામાં આવી હતી. વળી, વિદેશ મંત્રાલયે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં તથ્યો અને પરિસ્થિતિઓને જાણી લેવાં જરૂરી છે.

national news new delhi rihanna delhi police