ખેડૂત આંદોલન Updates: દીપ સિદ્ધુની ધરપકડ, એક ખેડૂતનું નિધન, જાણો વિગતો

09 February, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ખેડૂત આંદોલન Updates: દીપ સિદ્ધુની ધરપકડ, એક ખેડૂતનું નિધન, જાણો વિગતો

તસવીર સૌજન્ય મિડ-ડે

છેલ્લા 75 દિવસોથી કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન થઈ રહ્યું છે. આજે આંદોલનનો 76મો દિવસ છે ત્યારે સિંધુ બૉર્ડર પર વધુ એક ખેડૂતનું નિધન થઈ ગયું છે. મૃત્યુનું કારણ હાર્ટ અટેક કહેવામાં આવી રહ્યું છે. સોનીપતની બૉર્ડર પર અત્યાર સુધી 17 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકનું નામ હરિંદર અને ઉંમર 50 વર્ષ છે. જણાવવાનું કે આ પહેલા સોમવારે પીજીઆઇ રોહતકમાં એક વૃદ્ધ જવાનનું નિધન થયું હતું. તેમને 16 જાન્યુઆરીએ ઠંડીને કારણે ટીકરી બોર્ડરથી લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીકરી બૉર્ડર પર રવિવારે એક ખેડૂતનો મૃતદેહ બગીચામાં લટકતો મળ્યો હતો. તેમનું નામ કર્મવીર સિંહ હતું. તેમની સુસાઇડ નોટમાં ભારતીય કિસાન યુનિયન ઝિંદાબાદ એવું લખેલું મળ્યું હતું. નોંધનીય છે કે અત્યાર સુધી 17 ખેડૂતો જીવ ગુમાવી ચૂક્યા છે.

દીપ સિદ્ધુની ધરપકડ
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન ઉશ્કેરણીના આરોપ હેઠળ મંગળવારે પોલીસે દીપ સિદ્ધુની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે પંજાબી ગાયક દીપ સિદ્ધુએ લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો અને લોકોને ઉશ્કેર્યા તેવો આરોપ છે. દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ પર 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે દીપ સિદ્ધુ અમેરિકાના કેલિફૉર્નિયામાં રેહતી એક અભિનેત્રી મિત્રના સંપર્કમાં હતો. દીપ સિદ્ધુ પોતાના વીડિયોઝ તેને મોકલતો અને તે અભિનેત્રી આ વીડિયોઝ દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પોસ્ટ કરતી હતી.

કુરુક્ષેત્રમાં મહાપંચાયત પહેલા વિવાદ
કુરુક્ષેત્રની અનાજ મંડીમાં થનારી મહાપંચાયત પહેલાં જ એક વિવાદ ઊભો થઈ ગયો છે. અહીં ખેડૂતનેતા ગુરનામ સિંહ ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જ્યારે કુરુક્ષેત્ર ચઢૂનીનો વિસ્તાર છે. ચઢૂનીએ આપેલા નિવેદન પ્રમાણે આ મહાપંચાયતની માહિતી તેને આપવામાં આવી નહીં અને આ કારણે તેણે પોતાના અન્ય કાર્યક્રમની ગોઠવણ કરી હોવાથી તે મહાપંચાયતમાં હાજરી આપી શકશે નહીં. જોકે, મહાપંચાયતના જસતેજ સંઘીએ કહ્યું કે ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે મહાપંચાયતમાં હાજરી આપવાની વાત સ્વીકારી.