બીજી ‍ઑક્ટોબર સુધી કૃષિ કાયદા પાછા ખેંચી લે સરકાર, નહીંતર...

07 February, 2021 01:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજી ‍ઑક્ટોબર સુધી કૃષિ કાયદા પાછા ખેંચી લે સરકાર, નહીંતર...

ગાઝીપુરમાં રૅલીને સંબોધતા ખેડૂત-નેતા રાકેશ ટિકૈત (તસવીર: પી.ટી.આઇ.)

કિસાન નેતા રાકેશ ટિકૈતે શનિવારે કેન્દ્ર સરકારને ૨ ઑક્ટોબર સુધી કૃષિ કાયદો પરત લેવાનું અલ્ટિમેટમ આપ્યું છે. ચક્કાજામ બાદ દિલ્હી-યુપી-ગાઝીપુર બોર્ડર પર કિસાનોને સંબોધિત કરતા ટિકૈતે કહ્યું કે અમે સરકારની સાથે કોઈ દબાવમાં વાતચીત કરીશું નહીં, જ્યારે પ્લૅટફૉર્મ બરાબરીનું હશે ત્યારે વાતચીત થશે.

ટિકૈતે ચક્કાજામ બાદ કિસાનોને સંબોધિત કરતાં કહ્યું ‘અમે કાયદો પરત લેવા માટે સરકારને બે ઑક્ટોબર સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ અમે આગળની યોજના બનાવીશું. સરકાર અમારી વાત સાંભળે, નહીં તો આગામી આંદોલન થશે કે જેનું બાળક પોલીસ, સેનામાં હશે તેનો પરિવાર અહીં રહેશે અને તેના પિતા તેની તસવીર લઈને અહીં બેસશે. ક્યારે તસવીર લઈને આવવાની છે તે પણ હું જણાવી દઈશ. સરકારની સાથે અમે કોઈ પણ દબાવમાં વાત નહીં કરીએ.’

ટિકૈતે આગળ કહ્યું, ‘સરકાર બિલ પરત કરે, એમએસપી પર કાયદો બનાવી દે, નહીંતર આંદોલન ચાલુ રહેશે અને અમે દેશમાં યાત્રા કરીશું. દેશભરમાં આંદોલન થશે. અમારું બિનરાજકીય આંદોલન દેશભરમાં થશે, પછી ન કહેતા કે આ કેવું આંદોલન છે.’

સરકાર પર નિશાન સાધતા ટિકૈતે કહ્યું કે ત્રિરંગાને અમે માનીએ છીએ, અમારા બાળકોની શહીદી ત્રિરંગામાં થાય છે, ગામમાં ત્રિરંગા સાથે આવે છે. ત્રિરંગાનું અપમાન સહન થશે નહીં. તેને દેશ સાથે લગાવ નથી, વેપારી સાથે લગાવ છે. તેને કિસાન સાથે લગાવ નથી, તેના અનાજ સાથે લગાવ છે. તેને માટી સાથે લગાવ નથી, તેને અન્ન સાથે લગાવ છે. તે ખિલ્લા લગાવશે, અમે અનાજ ઉત્પન્ન કરીશું.

તેમણે કહ્યું કે અમે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ શરતની સાથે વાતચીત થશે નહીં. જ્યારે પ્લૅટફૉર્મ બરાબર હશે ત્યારે વાત થશે. કોઈ ટ્રેક્ટર લઈને અહીં આવે છે તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ ક્યાંનો કાયદો છે કે ટ્રેક્ટર ચાલશે નહીં.

national news