ખેડૂત સાઇકલ પર ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ટિકરી બૉર્ડર પહોંચ્યો

23 December, 2020 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખેડૂત સાઇકલ પર ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ટિકરી બૉર્ડર પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની સરહદે ખેડૂત આંદોલન ખરેખર પ્રતિષ્ઠાનો મુદ્દો બની રહ્યું છે. ફરીદકોટનો એક ખેડૂત પંજાબના ક્રાંતિકારી કવિ પાશની રચના રજૂ કરવાના ઉદ્દેશથી ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને દિલ્હીની ટિકરી સરહદે પહોંચ્યો હતો. પંજાબના ફરીદકોટ જિલ્લાના રમેના ગામનો વતની પાલ સંધુ સોમવારે દિલ્હી- હરિયાણાની સરહદે ખેડૂત નેતાઓનાં ભાષણો શાંતિથી સાંભળતો હતો. લેંઘા અને ઝભ્ભા પર બાંય વગરનું જૅકેટ તેમ જ લીલી પાઘડી પહેરીને બેઠેલા પાલ સંધુ અને તેની સાઇકલ જોડે લોકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા હતા. પાલ સંધુની સાઇકલ તમામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણકે એ સાઇકલ પર અવતાર સિંહ સંધુ ઉર્ફે ‘પાશ’ નામે ક્રાંતિકારી પંજાબી કવિની છપાયેલી રચનાઓ  કાર્ડ-બોર્ડ પર ચોંટાડીને રાખી હતી. ‘સબ તોન ખતરનાક’ શીર્ષક ધરાવતી એ રચનાઓ દ્વારા આંદોલનકારીઓને પ્રેરિત કરવાના ઉદ્દેશથી એ ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ફરીદકોટથી દિલ્હીની ટિકરી બૉર્ડર સુધી પહોંચ્યો હતો.

national news faridabad new delhi