કેમિકલ ફૅક્ટરીમાં બ્લાસ્ટ પછી ૨૦ મિનિટ સુધી થતા રહ્યા ધડાકા

17 February, 2026 10:37 AM IST  |  faridabad | Gujarati Mid-day Correspondent

ફરીદાબાદના સેક્ટર-૨૪ની ઘટનાઃ ૪૨ લોકો દાઝ્યા, ૫૦ મીટર ઊંચે સુધી ઊઠ્યો ધુમાડો, ફૅક્ટરીની બહાર ઊભેલી ડઝન કારો પણ બળી ગઈ

પ્રતીકાત્મક તસવીર

હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર-૨૪માં સોમવારે સાંજે એક કેમિકલ ફૅક્ટરીના મશીનમાં શૉર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફૅક્ટરીમાં રાખેલા કેમિકલના ડ્રમ સુધી એ આગ પહોંચતાં બ્લાસ્ટ થયો અને પછી થોડી-થોડી વારે અન્ય ડ્રમો પણ ફાટવા લાગ્યાં. આગ લાગી એ પછી ૨૦ મિનિટ સુધી સમયાંતરે ધડાકા થતા રહ્યા અને આગ વધુ ને વધુ વિકરાળ થતી ગઈ. પોલીસે જણાવ્યું હતું કે ‘આ કંપનીમાં મેટલ-શીટનું કટિંગનું કામ થાય છે. સાંજે જ્યારે કર્મચારીઓ મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આસપાસમાં જ રાખેલાં કેમિકલનાં ડ્રમ્સને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ફૅક્ટરીની બહાર ઊભેલી ડઝનેક કારો પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન બચાવ માટે ઊતરેલી પોલીસ પણ આગનો ભોગ બની હતી. 

૫૦ મીટર ઊંચે સુધી આગની જ્વાળાઓ ફેલાતાં આસપાસનાં બિલ્ડિંગોને પણ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. ૨૭ ફાયર-બ્રિગેડની ગાડીઓએ મળીને લગભગ ૪ કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પાંચ પોલીસ સહિત કુલ ૪૨ લોકો દાઝી ગયા હતા. એમાંથી ૧૦ લોકોની હાલત ઘણી ગંભીર છે. 

national news india haryana fire incident faridabad