આજે પણ માયાભરોસે મનમોહન

07 December, 2012 07:41 AM IST  | 

આજે પણ માયાભરોસે મનમોહન


ગઈ કાલે માયાવતીએ રાજ્યસભામાં એફડીઆઇને મુદ્દે સરકારના સર્પોટમાં વોટ આપવાની ખાતરી આપી હતી. બીજેપી અને એઆઇએડીએમકે સહિતની પાર્ટીએ એફડીઆઇનો વિરોધ કરવા છતાં પણ યુપીએ સરકારને સર્પોટ આપવા બદલ બીએસપીની ટીકા કરી હતી. જ્યારે મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીએ કાલે સરકારને એફડીઆઇના નિર્ણય પુનર્વિચાર કરવા કહ્યું હતું.

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે જોકે કહ્યું હતું કે અમે સરકારની તરફેણમાં વોટ આપીશું નહીં. એવી શક્યતા છે કે લોકસભાની જેમ રાજ્યસભામાં પણ સમાજવાદી પાર્ટીના સભ્યો વૉકઆઉટ કરીને પરોક્ષ રીતે સરકારને સર્પોટ આપશે. ૨૪૪ સભ્યોની રાજ્યસભામાં યુપીએના ૯૪ સભ્યો છે તેથી એફડીઆઇ પરના વોટિંગમાં જીતવા માટે સરકારે બીએસપી અને સમાજવાદી પાર્ટી પર ફરજિયાત આધાર રાખવો પડશે. રાજ્યસભામાં બીએસપીના ૧૫ અને સમાજવાદી પાર્ટીના નવ સભ્યો છે.

જેટલી-માયાવતી વચ્ચે તડાફડી

સરકારને સર્પોટની બીએસપીની જાહેરાતની સખત ટીકા કરતાં રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ માયાવતી પર એફડીઆઇનો વિરોધ કરતા હોવા છતાં સરકારને બચાવવાનો આરોપ મૂક્યો હતો. જેટલીએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે સીબીઆઇના પ્રેશરને કારણે માયાવતી સરકારને સર્પોટ આપી રહ્યાં છે. જેટલીના આક્ષેપનો જવાબ આપતાં માયાવતીએ કહ્યું હતું કે ‘પોતાનો ગેમપ્લાન સફળ થશે નહીં એવી ખાતરી થતાં જેટલી દ્રાક્ષ ખાટી છે એમ કહીને પોતાનો બચાવ કરી રહ્યા છે.’ માયાવતીના આ સ્ટેટમેન્ટને કારણે રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો.

નંબર ગેમ

રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા ૨૪૪ છે, જેમાં યુપીએના ૯૪ સભ્યો છે એટલે વોટિંગમાં જીતવા માટે સરકારે બીએસપીના ૧૫ અને સમાજવાદી પાર્ટીના નવ સભ્યોનો ટેકો લેવો જ પડશે.