લાલ કિલ્લાને ઉડાવી દેવાનો પ્લાન હતો?

07 February, 2017 03:59 AM IST  | 

લાલ કિલ્લાને ઉડાવી દેવાનો પ્લાન હતો?



નવી દિલ્હીના લાલ કિલ્લામાંથી રાઇફલ્સની કારતૂસ અને હૅન્ડ-ગ્રેનેડ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાને નૉર્થ દિલ્હીના પોલીસવડાએ સમર્થન આપ્યું હતું. નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉપરાંત સૈન્યના અધિકારીઓએ પણ તપાસમાં જોડાયા હતા.

એ જથ્થો એક્સપાયરી-ડેટ પાર કરી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભૂતકાળમાં સૈન્ય લાલ કિલ્લામાં રહેતું હતું એટલે મળી આવેલો જથ્થો એ સમયે ત્યજી દેવામાં આવ્યો હોય એવું તારણ પ્રાથમિક તપાસમાં કાઢવામાં આવ્યું હતું.

પુરાતત્વ વિભાગ લાલ કિલ્લામાં સાફસફાઈ કરી રહ્યો છે. એ કામગીરી દરમ્યાન કારતૂસ તથા વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. લાલ કિલ્લાના સામાન્ય રીતે કોઈ જતું ન હોય એવા ખૂણામાંથી આ જથ્થો મળી આવ્યો હતો એટલે એને છુપાવીને રાખવામાં આવ્યો હોય એવી છાપ પડે છે.

સલામતી અને રાષ્ટ્રીય અસ્મિતાના સંદર્ભમાં લાલ કિલ્લાને અત્યંત સંવેદનશીલ સ્થળ ગણવામાં આવે છે. એમ છતાં આટલા મોટા પ્રમાણમાં કારતૂસ તથા વિસ્ફોટકો મળી આવ્યાં એ ઘટનાને સલામતીમાં મોટી ખામી ગણવામાં આવી રહી છે.

તાજેતરમાં ૨૬ જાન્યુઆરી પહેલાં પણ આ વિસ્તારની સઘન તલાશી લેવામાં આવી હતી. એ પહેલાં ગઈ ૧૫ ઑગસ્ટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ કર્યું હતું. ૨૬ જાન્યુઆરી પહેલાં પોલીસ ખૂણેખૂણાની તલાશી લીધી હોવાના અને સજ્જડ સલામતી-વ્યવસ્થાના દાવા કરે છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં કારતૂસ તથા વિસ્ફોટકોનો જથ્થો એની નજરમાંથી બહાર કઈ રીતે રહી ગયો એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ ૨૦૦૦ના વર્ષની બાવીસ ડિસેમ્બરે લાલ કિલ્લા પર હુમલો કરીને ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. એ પછી પણ લાલ કિલ્લા પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળતી રહી હતી. આ પાશ્ચાદભૂમાં લાલ કિલ્લામાંથી કારતૂસો તથા હૅન્ડ-ગ્રેનેડ્સનો મોટો જથ્થો મળી આવ્યો એ આશ્ચર્યજનક બાબત છે.