એક્ઝિટ પોલનાં તારણો : દિલ્હી વિધાનસભામાં 'AAP'ને બે-તૃતીયાંશ બહુમતી

09 February, 2020 08:27 AM IST  |  New Delhi

એક્ઝિટ પોલનાં તારણો : દિલ્હી વિધાનસભામાં 'AAP'ને બે-તૃતીયાંશ બહુમતી

અરવિંદ કેજરીવાલ

શનિવારે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિલ્હીની ચૂંટણીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પ્રભાવશાળી જીત સાથે પુનઃ સત્તા પર આવશે. આમ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ત્યાર બાદના ક્રમે બીજેપીની સંખ્યામાં સુધારો થશે. જોકે તેની અને આપની બેઠકોની સંખ્યા વચ્ચે ઘણું મોટું અંતર રહેશે. આમ બીજેપીનો ૨૦ વર્ષનો વનવાસ હજી પણ લંબાશે.

પોલનાં તારણો અનુસાર આપ બે-તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવશે. કેટલાક પોલમાં તેમને ત્રણ-ચતુર્થાંશ બહુમતી આપવામાં આવી છે. ચૂંટણીમાં કૉન્ગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર આપને ૪૪થી ૫૦ અને બીજેપીને ૨૦થી ૨૬ બેઠકો મળશે.

એબીપી ન્યુઝ – સી વોટર પોલના એક્ઝિટ પોલ પ્રમાણે આપ ૪૯-૬૩ બેઠકો કબજે કરશે, જ્યારે બીજેપીના ફાળે ૫-૧૯ બેઠકો અને કૉન્ગ્રેસના ફાળે ૦-૪ બેઠકો આવી શકે છે.

રિપબ્લિક ટીવી – જન કી બાતના એક્ઝિટ પોલમાં આપને ૪૮-૬૧ બેઠકો, બીજેપીને ૯-૨૧ બેઠકો અને કૉન્ગ્રેસને ૦-૧ બેઠક મળશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીઓમાં આપે ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હતી. બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી, જ્યારે કૉન્ગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

aam aadmi party arvind kejriwal national news delhi elections new delhi