અગસ્તા વેસ્ટલેન્ડ મામલે મનમોહન સિંહ પર હતું કૉંગ્રેસનું દબાણ!

28 December, 2018 04:40 PM IST  | 

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે મનમોહન સિંહ પર હતું કૉંગ્રેસનું દબાણ!

અગસ્ટા-વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયા મિશેલની ચિઠ્ઠીથી ખળભળાટ

અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટરના મામલામાં પકડાયેલા વચેટિયા ક્રિશ્ચિયન જેમ્સ મિશેલની એક ચિઠ્ઠી સામે આવી છે, જેમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. આ ચિઠ્ઠી ફિનમેકૈનિકા કંપનીના CEO જુગેપી ઓરસીને લખવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે સત્તાધારી પાર્ટીના ટોચના નેતૃત્વના માધ્યમથી તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ પર દબાણ બનાવ્યું હતું. એમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારી મિશેલને સંબંધિત મંત્રાલયો પાસેથી મળી રહી હતી.

28 ઑગસ્ટ, 2009ના લખવામાં આવેલી આ ચિઠ્ઠીના અનુસાર, મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી વડાપ્રધાન કાર્યાલય, રક્ષા મંત્રાલય સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળી રહી હતી. એટલું જ નહીં વડાપ્રધાન મનમોહન સિંહ અને તત્કાલિન અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનની મુલાકાતની પણ તેમને જાણકારી હતી.

જુગેપી ઓરસને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં મિશેલે દાવો કર્યો છે કે આ મામલાને લઈને કેબિનેટ કમિટીની જે બેઠક થવાની હતી તેની પણ તેને જાણકારી હતી. આ મામલા પર વડાપ્રધાન, જોઈન્ટ સેક્રેટરી અને ડિફેન્સ સેક્રેટરીની વચ્ચે જે વાત ચાલી રહી છે તે પણ તેમને ખબર છે. એટલું જ નહીં તત્કાલિન રક્ષામંત્રી પણ તેમની ડીલના પક્ષમાં છે.

અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં અનિયમિતતાઓ સામે આવ્યા બાદ આ ડીલમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલને UAEથી પ્રત્યાર્પિત કરી ભારત લાવવામાં આવ્યો હતો. હાલ તે CBIની કસ્ટડીમાં છે.

જાણો શું હતું ગોટાળો?

ભારતીય વાયુસેના માટે 12 VVIP હેલિકોપ્ટરની ખરીદી માટે એંગ્લો-ઈટાલિયન કંપની અગસ્તા વેસ્ટલન્ડ સાથે વર્ષ 2010માં સોદો કરવામાં આવ્યો હતો. 3 હજાર 600 કરોડના  આ સોદોના જાન્યુઆરી 2014માં રદ્દ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે સોદામાં 10 ટકા કમિશન લેવામાં આવ્યું હતું. જે ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો હતો.