અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં ભૂતપૂર્વ અકાઉન્ટ ઇન્ચાર્જ મહિપાલ સિંહનો નવો ગંભીર આરોપ

05 August, 2026 11:42 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં ભૂતપૂર્વ અકાઉન્ટ ઇન્ચાર્જ મહિપાલ સિંહનો નવો ગંભીર આરોપ

દાનચોરીનો પર્દાફાશ થયાના ત્રણ દિવસ પછી મહિપાલ સિંહે મીડિયા સમક્ષ આવીને ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રા પર આરોપ લગાવ્યા હતા

મંદિરના નિર્માણનો અંદાજ ૮૦૦ કરોડનો હતો, પણ કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા ૨૨૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા

અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં ભૂતપૂર્વ અકાઉન્ટ્સ ઇન્ચાર્જ મહિપાલ સિંહે આ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ પોતાના આરોપો સંબંધિત પુરાવા રજૂ કર્યા અને કેટલાક નવા આરોપો પણ લગાવ્યા હતા. દાનચોરીનો પર્દાફાશ થયાના ત્રણ દિવસ પછી મહિપાલ સિંહે મીડિયા સમક્ષ આવીને ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રા પર આરોપ લગાવ્યા હતા. નવા આરોપો લગાવતાં મહિપાલ સિંહે કહ્યું હતું કે ‘ટ્રસ્ટની રચના સમયે રામ મંદિરના નિર્માણનો અંદાજ ૮૦૦ કરોડ રૂપિયા હતો, પરંતુ કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા માટે ૨૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.’

રામ મંદિરની દાનચોરીના કેસમાં એક પણ સંતની સંડોવણી બહાર નથી આવી: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ચાલી રહેલી પ્રાથમિક તપાસમાં કોઈ સંત સંડોવાયેલા હોવાનું સામે આવ્યું નથી. તેમણે સમાજવાદી પાર્ટી (SP) અને કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે સંસદમાં તેમનું વર્તન અને સંતો વિશેની તેમની ટિપ્પણીઓ સનાતન ધર્મનું અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સીધું અપમાન છે. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ‘રામ મંદિર પરિસરમાં વિવિધ કામગીરીમાં ૧૧૦૦થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે અને અત્યાર સુધી ઉપલબ્ધ પુરાવાઓના આધારે માત્ર થોડાક જ લોકોની સંડોવણી સામે આવી છે. વાંધો ઉઠાવનારા લોકોમાં એ જ લોકો છે જેમણે હંમેશાં વારંવાર રામજન્મભૂમિ અને ભગવાન શ્રી રામનું અપમાન કર્યું છે. અયોધ્યામાં ભક્તો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો એ ઘટના દેશ અને વિશ્વભરના રામભક્તો ૧૯૯૦માં હજી ભૂલ્યા નથી. આવી ઘટનાઓ ઇતિહાસનું પીડાદાયક પ્રકરણ છે.’

સરકારે હસ્તક્ષેપ કેમ ન કર્યો?
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે રચાયેલું ધાર્મિક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટની વિનંતી અથવા સર્વોચ્ચ અદાલતના નિર્દેશ વિના રાજ્ય સરકાર એમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે ૧૩ જુલાઈએ SITની રચના કરી હતી અને આ SITનું નેતૃત્વ એક વરિષ્ઠ અધિકારી કરી રહ્યા છે. એમાં ઇન્સ્પેક્ટર જનરલ કક્ષાના અધિકારી તેમ જ નાણાકીય બાબતોના નિષ્ણાત એવા સ્પેશ્યલ સેક્રેટરી કક્ષાના અધિકારીનો સમાવેશ પણ થાય છે.’

national news india ayodhya ram mandir religious places