હિન્દુસ્તાનમાં જન્મેલી દરેક વ્યક્તિ હિન્દુ છે : ભાગવત

27 December, 2019 03:00 PM IST  |  New Delhi

હિન્દુસ્તાનમાં જન્મેલી દરેક વ્યક્તિ હિન્દુ છે : ભાગવત

મોહન ભાગવત

(જી.એન.એસ.) હાલમાં જ્યારે મોદી સરકાર સામે, ધર્મના આધારે ૩ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવા માટેના સંશોધિત કાયદા, એનઆરસી અને એનપીઆરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે, નાગરિકતાને લઈને સરકાર સામે વિરોધ પક્ષો દ્વારા શંકા-કુશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બીજેપીની માતૃસંસ્થા આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે એમ કહીને વધુ એક વિવાદ સર્જ્યો છે કે આરએસએસ ભારતમાં વસતા તમામ ૧૩૦ કરોડ લોકોને હિન્દુ જ માને છે પછી ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય! તેમનું આ નિવેદન વર્તમાન સંજોગોમાં રાજકીય વમળો પેદા કરે એમ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આરએસએસ ભારતની તમામ ૧૩૦ કરોડ પ્રજાને હિન્દુ સમાજ માને છે પછી તેઓ કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિના કેમ ના હોય. ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને એના વારસાનું સન્માન કરે છે તેઓ હિન્દુ છે અને આરએસએસ ૧૩૦ કરોડ લોકોને હિન્દુ જ માને છે. મોહન ભાગવતે બુધવારે તેલંગણના આરએસએસ સભ્યો તરફથી આયોજિત ત્રણદિવસીય વિજય સંકલ્પ શિબિરમાં હાજર લોકોને સંબોધિત કરતી વખતે આ મુજબનું અવલોકન કરતું વિવાદી નિવેદન આપ્યું હતું.

national news mohan bhagwat