છેડતી કરનારાઓને હવેથી લાઇસન્સ નહીં : ચૌહાણ

21 November, 2012 04:10 AM IST  | 

છેડતી કરનારાઓને હવેથી લાઇસન્સ નહીં : ચૌહાણ



યુવતીઓની જાહેરમાં સતામણી અત્યંત ગંભીર સામાજિક દૂષણ છે. અનેક કડક કાયદાઓ હોવા છતાં આ સમસ્યા સતત વકરતી રહી છે. જોકે મધ્ય પ્રદેશની સરકારે આ દૂષણ પર નિયંત્રણ મૂકવા માટે ગઈ કાલે કેટલીક અસામાન્ય પગલાંની જાહેરાત કરી હતી. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે જે લોકો યુવતીની જાહેરમાં છેડતી કરતાં પકડાશે તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા પાસપોર્ટ નહીં મળે અને તેમને સરકારી સુવિધાઓનો લાભ પણ મળશે નહીં.

ગ્વાલિયરમાં ગઈ કાલે એક કાર્યક્રમ દરમ્યાન આ જાહેરાત કરતાં ચૌહાણે કહ્યું હતું કે રાજ્યમાં છેડતીની ઘટનાઓ પર નિયંત્રણ મૂકવા માટે આ પગલાં ભરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આવા લોકોને કૅરૅક્ટર સર્ટિફિકેટ પણ અપાશે નહીં. મધ્ય પ્રદેશ સરકાર છેડતી તથા એ પ્રકારના અન્ય ગુના આચરતા પકડાયેલાઓનો ડેટાબેઝ બનાવશે તથા તેમની સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.