Etawah Train Accident: 12 જ કલાકમાં બીજી ટ્રેન દુર્ઘટના, બોગીમાં આગ લાગતાં 19 ઘાયલ

16 November, 2023 09:58 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Etawah Train Accident: દિલ્હીથી બિહાર જતી વધુ એક ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસના સ્લીપર કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

ટ્રેનમાં આગ લાગવાની પ્રતીકાત્મક તસવીર

હાલના દિવસોમાં છઠ તહેવારને લઈને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ક્ષમતા કરતા વધુ લોકો કોચમાં ચઢી રહ્યા હોય તેવા સમાચાર મળ્યા હતા. ટ્રેનોની અપૂરતી સંખ્યા માટે રેલવેની ટીકા પણ થઈ રહી છે. તાજેતરમાં જ ઇટાવા પાસે એક ટ્રેન દુર્ઘટના (Etawah Train Accident) બની હતી. આ બધા વચ્ચે દિલ્હીથી બિહાર જતી વધુ એક ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસના સ્લીપર કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ  ઘટના યુપીના ઇટાવા રેલવે સ્ટેશન પાસે બની હતી. નોંધનીય બાબત તો એ છે કે ઈટાવામાં 12 કલાકમાં જ આ બીજી મોટી ટ્રેન દુર્ઘટના (Etawah Train Accident) બની છે. આ પહેલા અહીં દિલ્હી-દરભંગા એક્સપ્રેસની કેટલીક બોગીઓમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ વૈશાલી એક્સપ્રેસ નંબર 12554ની પેન્ટ્રી કાર પાસે બોગી S6માં આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા.

રેલવે અધિકારીઓ તરફથી સતત તપાસ ચાલુ

ટ્રેન અકસ્માત (Etawah Train Accident)ની માહિતી મળતા જ રેલવે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. વહલે તકે રેસ્ક્યુ ટીમ સાથે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. S6 કમ્પાર્ટમેન્ટમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ઇટાવા રેલવે સ્ટેશન ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારના મૈનપુરી આઉટર ટ્રેક પર પહોંચી હતી. 

બુધવારે સાંજે પણ થયો હતો મોટો અકસ્માત 

ગઈકાલે એટલે જ કે બુધવારે સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી દરભંગા એક્સપ્રેસને ઈટાવા (Etawah Train Accident)માં અકસ્માત નડ્યો હતો. ટ્રેનના એક સ્લીપર કોચ અને બે જનરલ બોગીમાં અચાનક આગ લાગી હતી. મુસાફરોએ કોચમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. થોડી જ વારમાં ત્રણેય બોગીઓ સળગવા લાગી હતી. સદનસીબે આ ઘટનામાં ન તો કોઈ જાનહાની થઈ કે ન તો કોઈને ગંભીર ઈજા થઈ હતી. આગને કાબૂમાં લીધા બાદ ત્રણ બળી ગયેલી બોગીઓને ટ્રેનમાંથી અલગ કરવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોને અન્ય કોચમાં બેસાડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

દરભંગા જતી ટ્રેનના ત્રણ કોચમાં 500 મુસાફરો સવાર હતા

પ્રાપ્ત માહિતી અનુસાર દરભંગા જતી ટ્રેનમાં લોકોની ખૂબ જ ભીડ હતી. જ્યારે ત્રણ કોચમાં આગ લાગવાના સમાચાર ફેલાતા લોકોમાં ખૂબ જ ખળભળાટ ફેલાઈ ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ નીચે કૂદી પડ્યા હતા. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ટ્રેન ગાર્ડ બબલુ સિંહે જણાવ્યું હતું કે આ ત્રણ કોચમાં લગભગ 500 મુસાફરો હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગ ગંભીર હતી. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

uttar pradesh bihar train accident fire incident national news india