ગંભીર હાલત હોવા છતાં ઉપવાસ છોડી દેવાનો ટીમ અણ્ણાનો ઇનકાર

02 August, 2012 05:42 AM IST  | 

ગંભીર હાલત હોવા છતાં ઉપવાસ છોડી દેવાનો ટીમ અણ્ણાનો ઇનકાર

આમરણ ઉપવાસના આઠમા દિવસે ગઈ કાલે ટીમ અણ્ણાના ત્રણ સભ્ય અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તથા ગોપાલ રાયની હાલત વધારે કથળી હતી. દિલ્હીપોલીસે ગઈ કાલે ટીમ અણ્ણાના આ ત્રણે કાર્યકરોને હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. જોકે ત્રણે સભ્યોએ હૉસ્પિટલમાં જવાનો ઇનકાર કરી દીધો હતો. ટીમ અણ્ણાને પાઠવેલા પત્રમાં દિલ્હીના ઍડિશનલ પોલીસ-કમિશનર કે. સી. દ્વિવેદીએ કહ્યું હતું કે આ ત્રણે સભ્યોને જો કશું અઘટિત થશે તો એના માટે તેઓ જાતે જવાબદાર ગણાશે. આ તરફ અણ્ણા હઝારેએ તેમને જંતરમંતર ખાતેથી ખસેડીને આંદોલનનો અંત લાવવા સરકારે કાવતરું ઘડ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે બળજબરી કરવા સામે પણ ચેતવણી આપી હતી.

લિવરને નુકસાનની શક્યતા

કેજરીવાલ સહિતના ત્રણે સભ્યોની તપાસ કરનાર ડૉક્ટરોએ તેમને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. ડૉક્ટરોના મતે જો ઉપવાસ વધુ ચાલશે તો તેમના લિવરને ગંભીર નુકસાન પહોંચી શકે છે. ગઈ કાલે ટીમ અણ્ણાની બેઠક દરમ્યાન કેજરીવાલ તથા સિસોદિયાને ઉપવાસનો અંત લાવવાની સલાહ આપવામાં આવી હતી. જોકે તેમણે અનશન છોડવાનો ઇનકાર કર્યો હતો.

પીછેહઠ નહીં કરવા અણ્ણા મક્કમ

અણ્ણા હઝારેના ઉપવાસનો ગઈ કાલે ચોથો દિવસ હતો. અગાઉ અનેક વાર લાંબા ઉપવાસ કરવા ટેવાયેલા અણ્ણાએ ગઈ કાલે કહ્યું હતું કે આ વખતે લોકપાલ બિલ પસાર થાય નહીં ત્યાં સુધી તેઓ ઉપવાસ છોડશે નહીં. કેજરીવાલ બાબતે તેમણે કહ્યું હતું કે ‘માણસ મુશ્કેલીમાં ફસાય ત્યારે આપઘાત કરે છે. અરવિંદને શું મુશ્કેલી છે? તે દેશ માટે લડી રહ્યો છે. તેની લડતને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને તેથી સરકારે તેને હૉસ્પિટલમાં ખસેડવાનું કાવતરું ઘડ્યું છે.’

મનફાવે એમ વર્તે છે ટીમ અણ્ણા : કૉન્ગ્રેસ

ટીમ અણ્ણાના ત્રણે સભ્યોની હાલત કથળી હોવા છતાં ગઈ કાલે પણ સરકાર દ્વારા વાતચીત માટે કોઈ પહેલ કરવામાં આવી નહોતી. જોકે કૉન્ગ્રેસનાં પ્રવક્તા રેણુકા ચૌધરીએ ટીમ અણ્ણા મનફાવે એમ વર્તી રહી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે સરકારે ક્યારેય ચર્ચાનો રસ્તો બંધ કર્યો નથી. ગઈ કાલે કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે પણ ટીમ અણ્ણા અને સરકાર વચ્ચે વાટાઘાટોની તરફેણ કરી હતી. જોકે તેમણે કહ્યું હતું કે ધમકીઓ આપીને ચર્ચા કરી શકાય નહીં. દિગ્વિજયે કહ્યું હતું કે ચર્ચા શરૂ કરતાં પહેલાં ટીમ અણ્ણાએ ઉપવાસ છોડવા જરૂરી છે.