23 February, 2026 10:10 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ પાસે ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલાં હથિયારો. ભારતીય સ્પેશ્યલ સિક્યૉરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણ દરમ્યાન એ વિસ્તારમાં સામસામા ગ્રેનેડના ધડાકાનો ધુમાડો.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો પણ મળી આવ્યાં હતાં.
સેનાના ‘વાઇટ નાઇટ કૉર્ઝ’એ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીર પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને એના પોતાના ગુપ્તચર સ્રોતો પાસેથી મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે સક્રિય આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમને ન્યુટ્રલાઇઝ કરવા માટે ઑપરેશન ત્રાશી-I હેઠળ કિશ્તવાડ વિસ્તારમાં એક સુનિયોજિત સંયુક્ત ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યે મુશ્કેલ વિસ્તારોમાં આતંકવાદીઓ સાથે જૉઇન્ટ ટીમે ઝપાઝપી કરી હતી. ટેકરી પર માટીના એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર અંધાધૂંધ ગોળીબાર કરતાં ભીષણ ગોળીબાર શરૂ થયો હતો. અવિરત સંકલન અને દૃઢ નિશ્ચય દર્શાવતાં સૈનિકોએ એન્કાઉન્ટર-સ્થળ પર કબજો કર્યો હતો. આ ઑપરેશનમાં બેઉ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી બે AK-47 રાઇફલ સહિત યુદ્ધમાં વપરાય એવાં સાધનો મળી આવ્યાં હતાં.’
આર્મીએ જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં શોધખોળ ચાલુ છે. જે લોકો શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમને ક્યાંય આશરો મળશે નહીં.’
ગયા મહિને ચતરુ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આશરે ૬ અથડામણ થઈ હતી, જેમાં એક સૈનિક શહીદ થયો હતો અને એક આતંકવાદી માર્યો ગયો હતો. રવિવારે બે આતંકવાદીઓનાં મોત સાથે સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ ક્ષેત્રમાં અલગ-અલગ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના કુલ ૭ આતંકવાદીઓને ઠાર માર્યા છે. અગાઉ ઉધમપુરમાં બે અને કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી માર્યો ગયો હતો.