કર્મચારીઓનું હાયર ઍન્ડ ફાયર હવે આસાન : ત્રણ લેબર બિલ પાસ

24 September, 2020 05:02 PM IST  |  Mumbai | Agencies

કર્મચારીઓનું હાયર ઍન્ડ ફાયર હવે આસાન : ત્રણ લેબર બિલ પાસ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યસભાએ મજૂરો સાથે જોડાયેલાં મહત્ત્વનાં ત્રણ બિલને મંજૂરી આપી દીધી છે. એક દિવસ પહેલાં લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યાં હતાં. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. આ ત્રણ બિલમાં કૉડ ઑન સોશ્યલ સિક્યૉરિટી, ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કૉડ અને ધ ઑક્યુપેશન સેફ્ટી, હેલ્થ ઍન્ડ વર્કિંગ કન્ડિશન કૉડ સામેલ છે. આને કારણે કર્મચારીઓને નોકરીએ રાખવાનું તેમ જ તેમની છટણી કરવાનું માલિકોને સહેલું બનશે.
બિલ અનુસાર તમામ પ્રકારના કર્મચારીઓને નિયુક્તિ પત્ર આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. એટલે કે એમાં કૉન્ટ્રૅક્ટ પર
કામ કરતા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓને ગ્રૅચ્યુટીની સુવિધા પણ આપવામાં આવશે. હવે ગ્રૅચ્યુટી માટે કંપનીમાં પાંચ વર્ષ કામ કરવું જરૂરી રહેશે નહીં. મહિલાઓને રાત પાળી (સાંજે ૭થી સવારે ૬ વાગ્યા સુધી)માં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ અસ્થાયી અને પ્લૅટફૉર્મ કામદારો (જેવા કે ઓલા ઉબેર-ડ્રાઇવર)ને પણ સામાજિક સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.
પ્રવાસી મજૂરોને પણ સુવિધા આપવામાં આવશે, તેઓ જ્યાં પણ જશે તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રીસ્કલિંગ ફંડ બનાવવામાં આવશે, જે કર્મચારીઓની છટણી થવાની સ્થિતિમાં તેમને વૈકલ્પિક સ્કીલની ટ્રેઇનિંગ આપવામાં આવશે. ૧૦થી વધુ કર્મચારીઓવાળી કંપનીઓને પોતાના કર્મચારીઓ માટે ઈપીએફ અને ઈએસઆઇની સુવિધા આપવી પડશે.
રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે મજૂરો જે ન્યાયની પ્રતિક્ષા કરી રહ્યા હતા એ હવે મળી રહ્યો છે. વેતન સુરક્ષા, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા ત્રણેય ગૅરન્ટી આપનાર બિલ છે. પ્રવાસી મજૂરોને વર્ષમાં એક વાર ઘર જવા માટે પ્રવાસભથ્થુ મળશે. માલિકે એ આપવું પડશે પ્રવાસી મજૂરોને.

national news