શ્રીનગરમાં બની શરમજનક ઘટના, રાષ્ટ્રધ્વજ નીચે પડ્યો

16 August, 2016 03:42 AM IST  | 

શ્રીનગરમાં બની શરમજનક ઘટના, રાષ્ટ્રધ્વજ નીચે પડ્યો



જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફતીએ ગઈ કાલે અત્યંત ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં રાજ્યનો સ્વતંત્રતા દિવસ સમારંભ યોજવામાં આવ્યો હતો. એ સમારંભમાં મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય તિરંગો ફરકાવવા જતાં હતાં ત્યારે જ ઝંડો પોલ પરથી પડી ગયો હતો. આ ઘટનાની તપાસનો આદેશ તત્કાળ આપવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાન તરીકે પહેલી જ વાર રાષ્ટ્રધ્વજ ફરકાવવા મેહબૂબા મુફ્તીએ થાંભલા સાથે વીંટાળેલી દોરી ખેંચી ત્યારે આખો રાષ્ટ્રધ્વજ ફરકવાને બદલે જમીન પર પટકાયો હતો. એને પગલે ક્ષોભજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય પ્રધાનના સલામતી રક્ષકો પૈકીના બે તત્કાળ દોડી આવ્યા હતા અને મેહબૂબા મુફ્તી પરંપરાગત સલામી આપે ત્યાં સુધી સલામતી રક્ષકોએ રાષ્ટ્રધ્વજને પોતાના હાથમાં પકડી રાખ્યો હતો.

મેહબૂબા મુફ્તી પોલીસ તથા અર્ધલશ્કરી દળોના કાફલાની સલામી લેવા સ્ટેજ પરથી નીચે ઊતયાંર્ પછી સલામતી રક્ષકોએ ઉતાવળે રાષ્ટ્રધ્વજને થાંભલાની ટોચ પર બરાબર ગોઠવીને ફરકાવ્યો હતો.

આ ઘટના વિશે રાજ્યના પોલીસ ચીફે મોડેથી જણાવ્યું હતું કે ‘આ બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી જવાબદારી નક્કી થઈ શકે. કોઈકની બેદરકારીને કારણે આ ઘટના બની છે અન્યથા રાષ્ટ્રધ્વજ એની મેળે તો નીચે ન જ પડે.’

કાશ્મીરને સિરિયા બનવા નહીં દઈએ

કાશ્મીર ખીણમાં છેલ્લા ૩૮ દિવસથી ચાલતી અશાંતિ વચ્ચે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ આંદોલનકારી યુવાનોને લાગણીસભર અપીલ કરતાં ગઈ કાલે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને અશાંત રાખવા ઇચ્છતાં સ્થાપિત હિતોના કહેવાથી ગેરમાર્ગે દોરાશો નહીં. મુખ્ય પ્રધાને એવી દલીલ પણ કરી હતી કે માત્ર વાતચીત વડે જ સમસ્યા ઉકેલી શકાશે.

મુખ્ય પ્રધાન તરીકે સ્વાતંત્ર્ય દિવસના પોતાના પહેલા ભાષણમાં મેહબૂબા મુફ્તીએ ચેતવણી આપી હતી કે સિરિયા અને અફઘાનિસ્તાનમાં અસ્થિરતા છે તથા જીવનની કોઈ સલામતી નથી ત્યારે જમ્મુ અને કાશ્મીરને બીજાં સિરિયા અને અફઘાનિસ્તાન બનવા દેવાશે નહીં.

રાજ્યમાં શાંતિ તથા પ્રગતિ માટે ઘડેલી યોજનાઓનો અમલ થઈ શકે એ માટે પોતાને થોડો સમય આપવાની વિનંતી મેહબૂબા મુફ્તીએ લોકોને કરી હતી.