BJPનું મિશન કાશ્મીર ફ્લૉપ, પણ ઝારખંડમાં જયજયકાર

23 December, 2014 09:36 AM IST  | 

BJPનું મિશન કાશ્મીર ફ્લૉપ, પણ ઝારખંડમાં જયજયકાર




જમ્મુ તથા કાશ્મીરના મતદારોએ વિધાનસભાની ચૂંટણીમાં ગૂંચવણભર્યો ચુકાદો આપ્યો છે અને અહીં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ગઈ કાલે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરતાં રાજ્યમાં સરકાર રચાવાની અનેક શક્યતાઓ સર્જાઈ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) એના સાથી પક્ષ ઓલ ઝારખંડ ઇન્ડિયન યુનિયન (AJSU) સાથે ઝારખંડમાં સરકાર રચવા સજ્જ થઈ છે.

૨૮ બેઠકો જીતી લઇને PDP સરકાર રચવાની સ્થિતિમાં છે, પણ એણે BJP સહિતના પક્ષો સાથે સરકાર રચવાના બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. BJPને કુલ ૨૫ બેઠકો મળી છે અને એ બધી જમ્મુમાંથી જ મળી છે. રાજ્યમાં BJPનો આ શ્રેષ્ઠ દેખાવ છે.

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સરકાર રચ્યા બાદ BJP ઝારખંડમાં સરકાર રચવા જઈ રહી છે. જોકે ૮૭ બેઠકોવાળી જમ્મુ-કાશ્મીર વિધાનસભાને સર કરવા નીકળેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન ૪૪ પ્લસ કાશ્મીર ખીણ તથા લદ્દાખમાં પ્રભાવ પાથરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. અહીંની ૫૦માંથી BJPને એકેય બેઠક મળી નથી.

જોકે ૨૦૦૮ની ચૂંટણીમાં મળેલી ૧૧ બેઠકોની સરખામણીએ BJPએ આ વખતે બમણાથી વધારે બેઠકો મેળવી છે, જ્યારે PDPની સભ્યસંખ્યા ૨૧થી વધીને ૨૮ની થઈ છે. શાસક નૅશનલ કૉન્ફરન્સ (NC)નો તો રકાસ થયો છે. ગઈ ચૂંટણીમાં મળેલી ૨૮ બેઠકોની સામે આ વખતે એને માત્ર ૧૯ બેઠકો મળી છે. મુખ્ય પ્રધાન અને NCના વડા ઓમર અબ્દુલ્લા સોનાવારમાંથી હાર્યા છે, પણ બીરવાહની બેઠક ૧૦૦૦ મતોના મામૂલી માર્જિનથી બચાવી શક્યા છે. તેમની સરકારની ભાગીદાર કૉન્ગ્રેસ અગાઉના ૧૭ સામે આ વખતની ૧૨ બેઠકો સાથે ચોથા સ્થાને રહી છે.

૧૪ વર્ષ પહેલાં રચાયેલા ઝારખંડમાં આ વખતે પ્રથમ વાર સ્થિર સરકાર રચાશે. ૮૧ સભ્યોવાળી ઝારખંડ વિધાનસભામાં BJPને ૩૭ બેઠકો મળી છે, જ્યારે એના સાથી પક્ષ ખ્થ્લ્શ્ને પાંચ બેઠકો મળી છે. સાદી બહુમતી માટે ૪૧ બેઠકો જરૂરી છે. અહીં શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને ૧૮ બેઠકો મળી હતી, જ્યારે કૉન્ગ્રેસને પાંચ બેઠકો પ્રાપ્ત થઈ છે.

ઝારખંડમાં BJPના વિધાનસભ્યોની સંખ્યા ૨૦૦૯ની ચૂંટણીની ૧૮ની સરખામણીએ લગભગ બમણી થઈ ગઈ છે, જ્યારે JMMની સભ્યસંખ્યામાં એકનો વધારો થયો છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેન દુમકાની બેઠક પરથી ૫૨૬૨ મતોથી હારી ગયા છે, પણ બારહૈટમાં ૨૪,૦૮૭ મતોના માર્જિનથી વિજેતા બન્યા છે.

જમ્મુ-કાશ્મીર : પાર્ટી-પોઝિશન

પક્ષ

બેઠકો

BJP

૨૫

કૉન્ગ્રેસ

૧૨

NC

૧૫

PDP

૨૮

પીપલ્સ કૉન્ફરન્સ

૦૨

પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ

૦૧

માક્ર્સવાદી પક્ષ

૦૧

અપક્ષ

૦૩

ઝારખંડ : પાર્ટી-પોઝિશન

પક્ષ

બેઠકો

BJP

૩૭

AJSU

૦૫

JMM

૧૮

ઝારખંડ વિકાસ મોરચા

૦૭

કૉન્ગ્રેસ

૦૫

જય ભારત સમતા પાર્ટી

૦૧

માર્ક્સિસ્ટ કોઑર્ડિનેશન

૦૧

સામ્યવાદી પક્ષ (લિબરેશન)

૦૧

ઝારખંડ પાર્ટી

૦૧

નૌજવાન સંઘર્ષ મોરચા

૦૧

બહુજન સમાજ પાર્ટી

૦૧